અમદાવાદ, 27 એપ્રિલઃ બજાજ ફાઇનાન્સ લિમિટેડે માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં રૂ. 3,158 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂ. 2,419 કરોડની સરખામણીએ 30% વધ્યો છે. બોર્ડે માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 30ના ડિવિડન્ડની ભલામણ કરી છે. ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખી વ્યાજ આવક (NII) એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 6,061 કરોડથી 28% વધીને રૂ. 7,771 કરોડ થઈ છે. જ્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખી વ્યાજની આવક માટે ઓપરેટિંગ ખર્ચ 34.1% હતો જે 04FY22માં 34.5% હતો.

ગ્રોસ એનપીએ ઘટી

31 માર્ચ, 2023ના અંતે ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ અનુક્રમે 0.94 ટકા અને 0.34 ટકા નોંધાઈ હતી, જે 31 માર્ચ, 2022માં 1.60 ટકા અને 0.68 ટકા હતી. ક્વાર્ટર દરમિયાન બુક કરાયેલી નવી લોનની સંખ્યા 60.28 લાખની તુલનાએ 20 ટકા વધીને 7.56 મિલિયન થઈ છે. 31 માર્ચ, 2023 સુધીમાં ગ્રાહક ફ્રેન્ચાઇઝી 6.9 કરોડ હતી જે 31 માર્ચ, 2022 સુધીમાં 5.75 કરોડ સામે 20 ટકા વધી છે.

બજાજ ફાઈનાન્સની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) માર્ચ ત્રિમાસિકમાં 29 ટકા વધી રૂ. 247,379 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 192087 કરોડ હતી. ચોથા ત્રિમાસિકમાં એયુએમ ગ્રોથ સૌથી વધુ રૂ. 16,537 કરોડ નોંધાયો છે.