સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ SME IPO અથવા પ્રેફરન્શિયલ ઇશ્યૂથી ફંડ એકત્ર કરશે
સુરત, 27 મેઃ એરેટેડ ઓટોકોન્ક્લેવ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડ તેની વિસ્તરણ યોજનાઓને ટેકો પૂરો પાડવા માટે એસએમઈ આઈપીઓ અથવા પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા ભંડોળ એકત્રિત કરવા માટે યોજના ઘડી રહી છે. કંપની બે ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવાની યોજના ધરાવે છે જે દરેકની ક્ષમતા વર્ષે 5,00,000 ક્યુબિક મીટરની રહેશે. આ નવા યુનિટ્સ તમિળનાડુના ચેન્નાઇ અને દિલ્હી અથવા હરિયાણા (ઉત્તર ભારત)માં ઊભા કરવાની સંભાવના છે. ઉત્તર ભારતના પ્લાન્ટથી દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના બજારો જ્યારે તમિળનાડુ ના (ચેન્નાઇ) પ્લાન્ટથી તમિળનાડુ, કર્ણાટક, કેરળ અને દક્ષિણના રાજ્યો ની માંગ ને સંતોષવામાં આવશે. આ વિસ્તરણ સાથે કંપનીની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 2,50,000 ક્યુબિક મીટરથી વધીને આગામી 4-5 વર્ષોમાં વર્ષે 12 લાખ (1.2 મિલિયન) ક્યુબિક મીટર સુધી થશે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 23 મે, 2024ના રોજ મીટિંગમાં ફંડ એકત્રિત કરવાને મંજૂરી આપી હતી. આઈપીઓ અથવા પ્રેફરન્શિયલ ઇશ્યૂ જરૂરી મંજૂરીઓ અને બજારની સ્થિતિને આધીન રહેશે. ઓફરિંગની સાઇઝ, પ્રાઇઝ અને અન્ય બાબતો જેવી વિગતો આગામી સમયમાં નક્કી થશે.
બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે એએસી બ્લોક ઉદ્યોગ નજીકના ભવિષ્યમાં ભારતીય કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં કેન્દ્ર સ્થાને રહેવા માટે સજ્જ છે અને અમારી કંપની વિશાળ છલાંગ લગાવવા તૈયાર છે. ફંડ એકત્રિત કરવાની કામગીરી ભાવિ વિસ્તરણ અને તમામ શેરધારકો માટે મૂલ્ય સર્જન કરવા માટે આયોજિત છે. કંપનીની વિકાસ વ્યૂહરચનામાં નવા ભૌગોલિક બજારોમાં વિસ્તરણ, આરએન્ડડીમાં રોકાણ, પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન અને બ્રાન્ડ બિલ્ડિંગ તથા માર્કેટિંગ કેમ્પેઇનનો સમાવેશ થાય છે જેનાથી બ્રાન્ડ વિઝિબિલિટી વધશે, બજાર હિસ્સો વધશે અને અમારા હિસ્સેદારોમાં વિશ્વાસ સ્થાપિત થશે. સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડ હાલ અમદાવાદમાં પ્લાન્ટ ચલાવે છે જે વર્ષે 2,50,000 ક્યુબિક મીટરની સ્થાપિત ક્ષમતા ધરાવે છે જે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, રાજસ્થાનમાં ઉદેપુર તથા મધ્યપ્રદેશના ઇન્દોર સુધી સેવાઓ પૂરી પાડે છે.
કંપની ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ કામગીરીમાં નોંધપાત્ર વધારાનું લક્ષ્યાંક રાખે છે અને તેનું લક્ષ્યાંક નાણાંકીય વર્ષ 2027-28 સુધીમાં રૂ. 428 કરોડની આવક, રૂ. 125 કરોડની એબિટા અને રૂ. 80 કરોડનો ચોખ્ખો નફો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. નાણાંકીય વર્ષ 2023-24માં કંપનીએ રૂ. 94.18 કરોડની આવક દર્શાવી હતી અને છેલ્લા ચાર વર્ષોમાં 21 ટકાથી વધુનો રેવન્યુ સીએજીઆર હાંસલ કર્યો હતો.
વર્ષ 2022-23માં રૂ. 4,000 કરોડનું મૂલ્ય ધરાવતું ભારતીય એએસી બ્લોક માર્કેટ વાર્ષિક 15-20 ટકાના દરે વધવાનો અંદાજ છે, જે આગામી પાંચ વર્ષમાં રૂ. 10,000 કરોડ સુધી પહોંચશે. ભારતમાં હાલમાં પ્રતિ વર્ષ 15 મિલિયન ક્યુબિક મીટરની કુલ ક્ષમતા સાથે લગભગ 150 એએસી ઉત્પાદન એકમો છે.
કંપનીના નોંધપાત્ર ક્લાયન્ટ્સમાં અદાણી, શિવાલિક, રિલાયન્સ, પીએસપી પ્રોજેક્ટ્સ, ચાવડા ઇન્ફ્રા, મેટ્રો પ્રોજેક્ટ, હાઇટેક પ્રોજેક્ટ્સ, એલેમ્બિક, એડોર, દર્શનમ અને કાવ્યરત્ન ગ્રુપનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)