સુરત, 6 જુલાઈઃ  એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સ  ઉત્પાદક  બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ બોનસ ઇશ્યૂ અંગે વિચારણા કરી રહી છે. બોનસ શેર તથા કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ વધારવા અંગે વિચારણા થશે અને મંજૂરી આપવા માટે શુક્રવાર, 19 જુલાઈ, 2024ના રોજ કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ યોજાશે જે નિયમનકારી તથા શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. કંપનીની વર્તમાન શેર કેપિટલ રૂ. 14.14 કરોડ છે જે પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 7.07 કરોડના ઇક્વિટી શેર્સમાં વિભાજીત થાય છે. 31 માર્ચ, 2024ના રોજ કંપનીના રિઝર્વ્સ તથા સરપ્લસ રૂ. 89.87 કરોડ છે.

કંપનીએ વેચાણમાં 19 ટકા અને ચોખ્ખા નફામાં 80 ટકાથી વધુના પાંચ વર્ષના સીએજીઆર સાથે મજબૂત ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. બોનસ ઇશ્યૂનો હેતુ હાલના શેરધારકોને વળતર આપવાનો, તરલતા વધારવાનો તેમજ શેરધારકોના આધારને વધારવાનો છે.

નાણાંકીય વર્ષ 2024 માટે કંપનીએ કન્સોલિડેટેડ ધોરણે રૂ. 30.69 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કામગીરીથી આવકો રૂ. 243.22 કરોડ નોંધાઈ છે જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 200.11 કરોડની કામગીરીથી આવકોની સરખામણીએ વાર્ષિક ધોરણે 21.55 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024 માટે એબિટા રૂ. 56.15 કરોડ રહી હતી જે અગાઉના વર્ષે રૂ. 50.01 કરોડની એબિટા સામે 12.29 ટકા વધુ હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24 માટે 20 ટકાના દરે આખરી ડિવિડન્ડની ભલામણ કરી છે જે વાર્ષિક સાધારણ સભામાં મંજૂરીને આધીન છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે કંપની એએસી બ્લોક ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તનના માર્ગે છે. આ પહેલથી ન કેવળ અમારા શેરધારકોને તેમના સતત સમર્થન બદલ વળતર મળશે પરંતુ કંપનીનો ઇક્વિટી આધાર પણ વધશે અને તેના પગલે તરલતા વધશે. અમે આગામી વર્ષોમાં ટકાઉ વૃદ્ધિની ગતિ તથા વધુ સુધારાની અપેક્ષા રાખી રહ્યા છીએ. કંપનીએ ગુજરાતના ખેડામાં વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટમાં રૂ. 65 કરોડનું રોકાણ કર્યું છે જેમાં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટનો સમાવેશ થાય છે.

10 જૂન, 2024ના રોજ ભારત ખાતે થાઈલેન્ડના રાજદૂત માનનીય સુશ્રી પત્તારત હોંગટોંગ દ્વારા ઉદ્ઘાટન થયેલો આ પ્લાન્ટ ભારતીય બજારો માટે 3-8 ઇંચની જાડાઈ, 2 ફૂટ પહોળાઈ અને 8-12 ફૂટની લંબાઈની લાર્જ ફોર્મેટ એએસી વોલ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ લોન્ચ કરશે. સંપૂર્ણ ક્ષમતાએ આ પ્લાન્ટ વાર્ષિક રૂ. 100 કરોડની આવક ઊભી કરે તેવી સંભાવના છે. આ સંયુક્ત સાહસનો હેતુ ટેક્નો-કોમર્શિયલ જ્ઞાન વહેંચવાનો, દ્વિપક્ષી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો તથા નવીનતમ બિલ્ડિંગ મટિરિયલ્સ રજૂ કરવાનો છે. આ પ્રોજેક્ટ બંને પક્ષકારોની સંમતિ મળ્યા બાદ બીજા તબક્કામાં વાર્ષિક 5 લાખ ક્યુબિક મીટર સુધી વિસ્તારી શકાશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)