અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણાં મંત્રી મતી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25 માટે કેન્દ્રીય વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. GCCI પ્રમુખ  અજય પટેલે, વચગાળાના કેન્દ્રીય બજેટ 2024-25 માટેના તેમના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ દીર્ઘદ્રષ્ટિ વાળું બજેટ રાષ્ટ્રની વ્યાપક જરૂરિયાતોને સંબોધે છે અને જુલાઈ 2024 ની આસપાસ રજુ થનાર પૂર્ણ બજેટ ના પ્રતિબિંબ સમાન છે, જે માટે તેઓએ નાણા મંત્રાલય અને કેન્દ્ર સરકારના અથાગ પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય વચગાળાનું બજેટ આર્થિક વૃદ્ધિ, સામાજિક કલ્યાણ અને નાણાકીય જવાબદારી ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. બજેટ “વિકસીત ભારત 2047” ના વિઝનને પ્રોત્સાહન આપે છે જે નિર્ણાયક શાસન, પ્રેરણાદાયી નેતૃત્વ અને ડિજિટલ, ભૌતિક, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના કેન્દ્ર સરકારના સુદ્રઢ ટ્રેક રેકોર્ડ ના મજબૂત પાયા પર બનેલું છે. વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે GCCI દ્વારા પણ ચાલુ વર્ષના રિફંડ સામે અગાઉના વર્ષોની આવકવેરાની માંગને તર્કસંગત બનાવવા અંગે મહેસૂલ સચિવ અને CBDT અધ્યક્ષને રજૂઆત કરી હતી અને અમને તે બાબતનો આનંદ છે કે આ વિનંતીને પ્રસ્તુત અંદાજપત્રમાં સ્વીકારવામાં આવી છે અને તે અંગેની વચગાળાના બજેટ થકી જાહેરાત કરવામાં આવી છે.

જીસીસીઆઈના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ  સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઊંચા ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અર્થતંત્રને વેગ મળશે અને લાંબા ગાળે દેશમાં વધુ રોકાણ ને પ્રોત્સાહન મળશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અનુપાલનમાં ઘટાડો અને નિયમનકારી આવશ્યકતાઓ માં છૂટછાટ એ એક  સુંદર અભિગમ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિસ્તરણને ટેકો આપશે અને વ્યવસાય કરવાની સરળતાને વધુ વેગ પૂરો પાડશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બજેટ સુશાસન, સાતત્ય અને દેશના મજબૂત આર્થિક વિકાસના લાંબા ગાળાના વિઝન નું પ્રતિબિંબ છે.
GCCI પ્રમુખ અને તેમના પદાધિકારીઓની ટીમે ખાસ કરીને કેન્દ્રીય બજેટમાં હાથ ધરવામાં આવેલી મુખ્ય સકારાત્મક જોગવાઈઓને ખાસ બિરદાવી હતી.  

1. આર્થિક વૃદ્ધિ અને રોજગારમાં ફાળો આપતા મૂડી ખર્ચનો અંદાજ 11.1 ટકા જેટલો વધારીને રૂપિયા 11.11 લાખ કરોડ થયેલ છે.

2. “વંદે ભારત”માં રેલ બોગીઓનું રૂપાંતર, મુખ્ય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું વિસ્તરણ, અને મુખ્ય રેલ્વે કોરિડોર ની રજૂઆતનો હેતુ સલામતી, સગવડતા અને કાર્યક્ષમતા વધારવાનો છે.

3. ગ્રામીણ સામાજિક-આર્થિક લેન્ડસ્કેપ ને બદલવા માટે સ્વ-સહાય જૂથો (SHGs) ને સશક્ત બનાવવું, ‘લખપતિ દીદી’ માટે 2 કરોડથી 3 કરોડ સુધીનો વધારો પ્રશંસા પાત્ર લક્ષ્યાંક છે. 

4. 10 મિલિયન પરિવારો માટે રૂફ-ટોપ સોલેરાઇઝેશન તેમજ માસિક 300 યુનિટ સુધી મફત વીજળી પ્રદાન કરવાનો નિર્ણય માનનીય વડાપ્રધાનના વિઝનને અનુરૂપ છે. 

5. ઓફશોર વિન્ડ એનર્જી, કોલ ગેસિફિકેશન અને લિક્વિફેક્શન ક્ષમતા વિસ્તરણ, અને સંકુચિત બાયોગેસના ફરજિયાત મિશ્રણ માટે સદ્ધરતા ગેપ ફંડિંગ પણ દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ નિર્ણય છે.

6. મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સપોર્ટ ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. 

7. પ્રતિષ્ઠિત પ્રવાસી કેન્દ્રોનો વ્યાપક વિકાસ, રેટિંગ સિસ્ટમની સ્થાપના અને પ્રવાસન માળખાકીય પ્રોજેક્ટને નાણાં આપવા માટે રાજ્યો માટે લાંબા ગાળાની વ્યાજ મુક્ત લોન પણ સુંદર પગલું છે.

8. FDI ના પ્રવાહની સિદ્ધિઓ અને સતત વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે દ્વિપક્ષીય રોકાણ સંધિ માટે ચાલુ વાટાઘાટો.

9. યુવાનો અને ટેક્નોલોજીની ભૂમિકા પર ભાર મૂકતા સન-રાઈસ સેક્ટર્સ માં લાંબા ગાળાના ધિરાણ માટે વ્યાજમુક્ત લોન આપવા માટે એક લાખ કરોડ કોર્પસની સ્થાપના પ્રસંશનીય નિર્ણય છે.

10. આંગણવાડી અને આશા કાર્યકરો માટે આયુષ્માન ભારત કવરનું વિસ્તરણ, એક વ્યાપક યોજના હેઠળ માતા અને બાળ આરોગ્ય સંભાળ યોજનાઓને એકીકૃત કરવી.

11. આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ મકાનો અને વધારાના બે કરોડનું લક્ષ્ય હાંસલ કરવાની યોજના સાથે પીએમ આવાસ યોજનાનું સતત અમલીકરણ.

12. MSMEs માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા અને તેમની વૃદ્ધિને સરળ બનાવવા માટે તાલીમ આપવા પર પ્રાથમિકતા.

13. કૃષિમાં મૂલ્યવૃદ્ધિ માટેના પ્રયાસોને સઘન બનાવવું, ખેડૂતોની આવકમાં વધારો કરવો અને કાપણી પછીની પ્રવૃત્તિઓમાં ખાનગી અને જાહેર રોકાણને પ્રોત્સાહન આપવું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)