અભિક બરૂઆ, એચડીએફસી બેન્કના ચીફ ઈકોનોમિસ્ટ

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્ર સરકાર વચગાળાના બજેટમાં કોઈ મોટી આકર્ષક જાહેરાતો ન કરવાના પ્રોટોકોલને વળગી રહી છે. નાણામંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની વિકાસ માર્ગમાં સફળતા સાથે સંતુલિત જાહેરાતો કરી આગળનો રોડમેપ જાહેર કર્યો હતો. સરકારે 2024-25 માટે 11.1 લાખ કરોડ રૂપિયાની કેપેક્સ ફાળવણી દ્વારા સમાવેશક વૃદ્ધિના લક્ષ્યાંક સાથે તેનુ ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પર જારી રાખવાનું વચન આપ્યું હતું.

2024-25 માટેના રોડમેપમાં ગ્રામીણ ઘર યોજનાનું વિસ્તરણ, રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશનને વેગ, મધ્યમવર્ગ માટે ઘર, સનરાઈઝ ડોમેન અને અન્ય બાબતોમાં લાંબાગાળા માટે નીચા દરે ધિરાણ, સહિત વિવિધ યોજનાઓ સમાવિષ્ટ છે. સીતારમણે રાજ્ય સ્તરે પ્રવાસનને પ્રોત્સાહન આપવાના પગલાંને આવકાર્યો છે. જેનાથી રોજગારની મોટાપાયે તકોનું સર્જન થવાનો અંદાજ છે.

કેન્દ્ર સરકારે 2023-24માં રાજકોષીય ખાધ જીડીપીના 5.8 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. જે અગાઉના બજેટમાં જીડીપીના 5.9 ટકાના અંદાજ કરતાં નીચો છે. તદુપરાંત 2024-25 માટે રાજકોષીય ખાધ લક્ષ્યાંક ઘટાડી જીડીપીના 5.1 ટકા કર્યો છે. 2025-26માં 4.5ના મધ્યમગાળાના લક્ષ્યાંકને હાંસિલ કરવાના પ્રયાસના ભાગરૂપે રાજકોષીય ખાધ લક્ષ્યાંક ઘટાડવામાં આવ્યો છે. નીચી રાજકોષીય ખાધ ગ્રોસ માર્કેટ બોરોઈંગના આંકડામાં ઘટાડો કરે છે. જે બોન્ડ માર્કેટ માટે સકારાત્મક બાબત છે.