અમદાવાદ, 18 જાન્યુઆરીઃ ભારતીયો માટે અભ્યાસ અને કારર્કિદી માટે સૌથી પસંદગીનો દેશ કેનેડા દ્વારા વિઝા રિજેક્શનનો રેટ વધ્યો છે. ગત કેલેન્ડર વર્ષમાં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરવાનો રેટ 4 ટકા ઘટ્યો છે. ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે થોડા દિવસ પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા અનેકગણી વધી છે. આ મામલે નોંધ લઈ યોગ્ય પગલાં લેવાશે.

જૂનમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે ભારતીય સરકારના એજન્ટોને જોડતા પુરાવા મળ્યા હોવાના અહેવાલો આપતાં ભારત અને કેનેડામાં રાજદ્વારી તણાવ ફાટી નીકળ્યો હતો.

2023માં 9 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં 40 ટકા ભારતીયો

2023 દરમિયાન કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર કુલ વિદેશી વિદ્યાર્થીઓ 9 લાખ હતા. જેમાંથી 40 ટકા અર્થાત અંદાજિત 3.60 લાખ વિદ્યાર્થીઓ ભારતીય હતા. ગતવર્ષે કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરવાનો રેશિયો 4 ટકા ઘટ્યો હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ રહી હતી.

ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 86 ટકા ઘટી

કેનેડા દ્વારા જારી સત્તાવાર આંકડાઓ અનુસાર, ગત કેલેન્ડર વર્ષના ચોથા ત્રિમાસિક (ઓક્ટોબર-ડિસેમ્બર) દરમિયાન સ્ટુડન્ટ વિઝા મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 14910 નોંધાઈ હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં 108940 હતી.

ઓટાવામાં ભારતીય હાઈ કમિશનના કાઉન્સિલર સી. ગુરૂસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, અમુક ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા સાથે વર્તમાન વિવાદો અને ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં લેતાં કેનેડાના બદલે અન્ય વિકલ્પ પસંદ કરી રહ્યા છે. 2022માં કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ લેનાર 41 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ભારતીયો હતા.

કેનેડાનું સ્ટુડન્ટ વિઝા મામલે આકરૂ વલણ, GIC બમણો
કેનેડા તેની વર્તમાન ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં લેતાં વિદ્યાર્થીઓનો વધતો ઘસારો ઓછો કરવા વિચારી રહ્યું છે. કેનેડાએ સ્ટુડન્ટ વિઝા માટે રિઝર્વ કેશ અર્થાત જીઆઈસી વધારી બમણો કર્યો છે. વધુમાં મિલરે જણાવ્યું હતું કે, સરકાર આ વર્ષે પ્રથમ છ માસમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા અન્ય પગલાંઓ લઈ રહી છે. જેથી કેનેડામાં અગાઉથી રહેતાં વિદ્યાર્થીઓ અને લોકો માટે જીવન ધોરણ સરળ બનાવી ફુગાવો ઘટાડી શકાય.