નવી દિલ્હી: સચીન બંસલ અને અંકિત અગરવાલ દ્વારા સ્થાપિત અને ટેકનોલોજી આધારિત ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ કંપની નાવી ગ્રૂપે ભારતનાં ગ્રાહકોને ‘ડિજિટલ પર્સનલ લોન’ ઓફર કરવા પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (‘પિરામલ ફાઇનાન્સ’) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ઋણધારકો નાવી એપ પર 72 મહિનાની મુદત સુધીની રૂ. 20 લાખ સુધીની પર્સનલ લોન લઈ શકે છે. આ ભાગીદારીથી પિરામલ ફાઇનાન્સની સ્થાનિક ટેકનોલોજી અને દેશભરમાં 11,000થી વધુ પિન કોડ્સમાં હાજરીને કારણે નાવીની ધિરાણ પ્લેટફોર્મ ક્ષમતાઓનું વિસ્તરણ થશે. સહ ધિરાણ ભાગીદારી અંતર્ગત નાવી પરસ્પર સમજૂતી હેઠળનાં ધિરાણ અને માન્યતા માપદંડો પર આધારિત પર્સનલ લોનની પ્રક્રિયા કરશે. પિરામલ ફાઇનાન્સ સહ ધિરાણ વ્યવસ્થા અંતર્ગત 80 ટકા લોન માટે ફન્ડ આપશે, જ્યારે 20 ટકા ફન્ડ નાવી ફિનસર્વ (નાવ ટેકનોલોજીસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની) આપશે.

નાવી ટેકનોલોજીસના સીઇઓ અને ચેરમેન સચીન બંસલે જણાવ્યું હતું કે, અમે અમારા ભાગીદારોને સીમલેસ ડિજિટલ અનુભવ આપવા માટે કો-લેન્ડિંગ અને ડાયરેક્ટ એસાઇનમેન્ટ પ્લેટફોર્મ નાવી લેન્ડિંગ ક્લાઉડ લોંચ કર્યું છે. આનાથી અમે એક અબજ ભારતીયો માટે નાણાકીય સેવાઓ કિફાયતી અને સુલભ બનાવવાનાં મિશનથી એક ડગલું નજીક જઈશું.”

પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયરામ શ્રીધરને જણાવ્યું હતું કે, 343 સક્રિય શાખાઓ ધરાવતી પિરામલ ફાઇનાન્સ ભારતભરમાં વિસ્તરણ માટે રોકાણ કરે છે અને નજીકનાં ભવિષ્યમાં દેશમાં 1,000થી વધુ શાખાઓમાં હાજરી ધરાવવાનું લક્ષ્ય ધરાવે છે.