નવી દિલ્હી: ગૌતમ અદાણી જૂથ ગ્રૂપ કંપનીઓમાં મૂડીરોકાણ સાથે ગ્રૂપ છેલ્લા એક અઠવાડિયાથી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ અબુ ધાબી સાથે વાટાઘાટોમાં વ્યસ્ત હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સમાં બાસ્કેટ સેલિંગ ચાલી રહ્યું છે. ગૌતમ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ પણ આ જ કારણોસર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હવે ગૌતમ અદાણી અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ માટે અબુધાબીના ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કોર્પોરેશન (IHC) સાથે સંપર્કમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણી ગ્રુપના ટોચના અધિકારીઓએ અબુધાબી સ્થિત ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કોર્પોરેશન અને અન્ય રોકાણકારો સાથે ચર્ચા હાથ ધરી છે.

મૂડીરોકાણની રકમ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ એવું મનાય છે કે, અદાણી જૂથ $1 થી 1.5 અબજના રોકાણ માટે વાતચીત કરી રહ્યું છે. આ રકમને કોન્ફિડન્સ કેપિટલ કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવા માટે વિદેશી રોકાણકારો સાથેની આ વાતચીત પ્રાથમિક તબક્કામાં છે. અદાણી ગ્રુપના સીએફઓ જુગશિન્દર સિંઘ અને અન્ય એક્ઝિક્યુટિવ્સ ગયા અઠવાડિયે મધ્ય પૂર્વના દેશમાં ગયા હતા. ત્યાં તે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને અન્ય કેટલાક સોવરિન વેલ્થ ફંડ્સને મળ્યા હોવાનું ચર્ચાય છે. અદાણી જૂથે હિન્ડેનબર્ગના આરોપોની તપાસ માટે એકાઉન્ટિંગ ફર્મ ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂક કરી છે.