અમદાવાદઃ ધ ઓંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદે ઓનલાઇન સર્ટિફાઇડ બ્લોકચેઇન સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કરવા માટે ડિજિટલ યુનિવર્સિટી કેરળ (DUK) અને કેરળ સરકારની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ હેઠળની કેરળ બ્લોકચેઇન એકેડેમી (KBA) સાથે જોડાણ કર્યુ છે. આ પ્રોગ્રામ સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિઓને બ્લોકચેઇન ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓ, તકો અને પડકારોને સમજવા અને તેનો અસરકારક રીતે સામનો કરવા પૂરતું જ્ઞાન, કૌશલ્ય અને અભિગમથી સજ્જ કરશે. 10 દિવસનો ઓનલાઇન ટ્રેઇનિંગ પ્રોગ્રામ KBA દ્વારા વિક્સાવવામાં આવ્યો છે અને તેમાં ચાર દિવસની બ્લોકચેઇન ટ્રેઇનિંગ અને છ દિવસની આંત્રપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટ ટ્રેઇનિંગનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામનાં આંત્રપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટ સેશન્સ EDII સંભાળશે, જ્યારે અને બ્લોકચેઇન ટેકનોલોજીનાં સેશન્સ KBA અને DUK લેશે.

EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ જણાવ્યું કે, EDII એક પ્રોગ્રામમાં 30 વિદ્યાર્થીઓને દાખલ કરશે, જે તેમને બ્લોકચેઇન ટેકનોલોજી ક્ષેત્રમાં સફળતાપૂર્વક સ્ટાર્ટઅપની સફર શરૂ કરવા સક્ષમ બનાવશે. તાલીમબધ્ધ ઉદ્યોગ સાહસિકો પાસે બ્લોકચેઇન ક્ષેત્રમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા જરૂરી આંત્રપ્રિન્યોરલ અને મેનેજમેન્ટ સ્કિલની સાથે સાથે ટેકનોલોજી સંબંધિત માહિતી હશે.

આ કોર્સમાં બ્લોકચેઇન સેક્ટરમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતી વ્યક્તિઓ, આશાસ્પદ અને વર્તમાન ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ શકે છે. પ્રોગ્રામની નવી બેચ 19 નવેમ્બરનાં રોજ શરૂ થશે અને 18 ડિસમ્બર, 2022 સુધી ચાલશે. વર્કિંગ પ્રોફેશનલ્સ ભાગ લઈ શકે તે માટે માત્ર શનિ-રવિએ જ ક્લાસ લેવામાં આવશે. પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 17 નવેમ્બર, 2022 છે.