• વિવિધ દેશોમાં કન્સલ્ટન્સી ઓફીસ અને સર્વિસ સેન્ટર્સ સ્થાપશે
  • EPFOના હાલમાં ભારતમાં 5.5 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) વૈશ્વિક સ્તરે સેવાઓ આપવા જઈ રહ્યું છે. ભારત ઉપરાંત, EPFO વિશ્વના લગભગ 70 દેશોમાં તેની સેવાઓનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશોમાં કન્સલ્ટન્સી ઓફિસ અને સર્વિસ સેન્ટર સ્થાપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, જે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે ભારતમાં લગભગ 70 વર્ષથી કાર્યરત છે, હવે તેમના કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વિશ્વભરના નાના દેશોને મદદ કરવાની યોજના ધરાવે છે. આ માટે તેણે લેટિન અમેરિકા અને આફ્રિકાના નાના દેશોમાં પોતાનું સેટઅપ બનાવવાની તૈયારી કરી લીધી છે.

ગ્લોબલ એડવાઈઝર તરીકે ઉભરી આવશે

EPFO કર્મચારીઓના ભવિષ્યની સુરક્ષાના ક્ષેત્રમાં ગ્લોબલ એડવાઈઝર તરીકે ઉભરી આવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. EPFO મુજબ, તે લેટિન અમેરિકાના લગભગ 25 દેશો અને આફ્રિકન ખંડના મોટાભાગના નાના દેશોને કર્મચારીઓ માટે પોતાનું સામાજિક સુરક્ષા માળખું વિકસાવવામાં મદદ કરશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના આ પ્રસ્તાવને ટોચના સ્તરે મંજૂર કરવામાં આવ્યો છે અને હવે તેના પર સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરવામાં આવશે. EPFO મુજબ, આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક સાથે કરાર માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આગામી બે દાયકા માટે વિગતવાર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

એશિયન-આફ્રિકન દેશો અને અમેરિકામાં સેવાઓ આપશે

EPFO એશિયામાં સેવા કેન્દ્રો તેમજ લેટિન અમેરિકા અને આફ્રિકન દેશોમાં કન્સલ્ટન્સી ઑફિસો સ્થાપવાનું લક્ષ્ય રાખે છે જેથી વૈશ્વિક પહોંચ મળી શકે. આ માટે વર્ષ 2037 માટે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. EPFOનો આ વિચાર નાના દેશોને તેમના કર્મચારીઓ માટે પોતાનું સામાજિક અને આર્થિક સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં મદદ કરશે.

EPFOમાં મોટા સુધારાની શક્યતા

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના હાલમાં ભારતમાં 5.5 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. EPFO ઝડપથી નિયમો અને કાર્યશૈલીમાં પરિવર્તનના સંકેતો જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં, ગયા અઠવાડિયે, EPFO એ નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો કે 15,000થી ઓછા પગારવાળા કર્મચારીઓ અને 20થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓને EPF યોજનાનો લાભ આપવા સંબંધિત હતો.