શેરબજારની વોલેટિલિટીના પગલે MFમાં આકર્ષણ વધ્યું, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બમણુ 14100 કરોડનું રોકાણ
નવી દિલ્હી
ભારતીય શેરબજારોમાં વોલેટિલિટી તેમજ પેસિવ ફંડ સેગમેન્ટમાં સતત નવા લોન્ચિંગના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધી રહ્યું છે. રોકાણકાર નીચા ભાવે ઈક્વિટી સ્કીમ્સમાં આગામી સમયમાં મબલક રિટર્ન મેળવવાની રણનીતિ સાથે એસઆઈપી, એસટીપી સહિતના માધ્યમથી રોકાણ વધારી રહ્યા છે.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સપ્ટેમ્બરમાં કુલ રૂ. 14100 કરોડનું રોકાણ નોંધાયુ છે. જે ઓગસ્ટના 6120 કરોડ કરતાં બમણાંથી વધ્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) દ્વારા જારી આંકડાઓ મુજબ, ડેટ ફંડ્સમાંથી રૂ. 65372 કરોડની વેચવાલી જોવા મળી હતી.
એમ્ફીના રિપોર્ટ અનુસાર, એસઆઈપી ઈન્વેસ્ટમેન્ટ વધી રૂ. 12976 કરોડ નોંધાયુ છે. જે ઓગસ્ટમાં 12693 કરોડ હતું. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીને રેકોર્ડ SIP અને NFOનો ટેકો મળતાં તેની એવરેજ એયુએમ વધી 39.88 લાખ કરોડ નોંધાઈ હતી. જો કે, ડેટ ફંડની વેચવાલીના કારણે કુલ એયુએમ 92 હજાર કરોડ ઘટી રૂ. 38.42 લાખ કરોડ નોંધાઈ છે.
ઈક્વિટીમાં રોકાણ જળવાઈ રહેશે
વૈશ્વિક પડકારો તેમજ નેગેટીવ માર્કેટ ટ્રેન્ડ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. ભારતીય શેરબજારને એફપીઆઈ વેચવાલીની અસરથી બચાવવા સ્થાનિક સંસ્થાકીય રોકાણ વધારી રહ્યા છે. જેથી મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણ પ્રવાહ જળવાઈ રહેશે.
– અખિલ ચતુર્વેદી, CBO, Motilal Oswal AMC.
ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ઓવરનાઈટ ફંડ્સ જ રૂ. 33,128.33 કરોડના પ્રવાહ નોંધાયો છે. લાંબા ગાળાના ફંડ્સમાં પણ રૂ. 110 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો. 10 વર્ષની મુદતવાળા ગિલ્ટ ફંડ્સ અને ગિલ્ટ ફંડ્સમાં સપ્ટેમ્બરમાં ઓછું રોકાણ જોવા મળ્યુ હતું. આ કેટેગરીઝ સિવાય અન્ય તમામ ડેટ ફંડ કેટેગરીમાં સપ્ટેમ્બર મહિનામાં જંગી આઉટફ્લો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં 4 ક્લોઝ્ડ એન્ડેડ ડેટ ફંડ લોન્ચ કરવામાં આવ્યા હતા જેમાં રૂ. 1,117 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો.