અમદાવાદઃ બોલિવૂડીયા મૂવીની એડવર્સ પબ્લિસિટી કરીને કરોડો કમાઇ લેવાની પ્રેક્ષક પ્રેરણા પ્રવૃત્તિ જાણે સાહજિક બની છે. પરંતુ કોર્પોરેટ વર્લ્ડમાં પણ આવી જ સ્ટ્રેટેજી અપનાવાય તે કેટલી હદે યોગ્ય ગણાય તે ચર્ચાનો વિષય છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ ગઝલ અલઘની કંપની મામાઅર્થ શેરબજારમાં લિસ્ટિંગ કરાવવાની તૈયારી કરી રહી છે. ₹400 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. મામાઅર્થની ઓફર ફોર સેલમાં 4.68 કરોડ શેર વેચવામાં આવશે, જેમાં પ્રમોટર્સ, રોકાણકારો અને અન્ય શેરધારકોનો હિસ્સો છે. પરંતુ કંપનીની કેટલીક બાબતો વિવાદનો મધપૂડો છેડી રહી છે. જેમ કે,

મામાઅર્થ તેના વેચાણનો મોટો હિસ્સો માર્કેટિંગ પર ખર્ચી રહી છે. મામાઅર્થના વેચાણ અને માર્કેટિંગ ખર્ચ મુદ્દે એક તૃતીયાંશ ખર્ચ માર્કેટિંગ માટે કરે છે તેવા વિવાદે સોશિયલ મિડિયામાં ભારે તોફાન મચાવ્યું છે.

શેરબજારના ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે મામાઅર્થનો આઈપીઓ બીજો પેટીએમ સાબિત થઈ શકે છે. આનું કારણ એ છે કે મામાઅર્થનું મૂલ્યાંકન ઘણું વધારે છે. કંપની તેના IPO દ્વારા $3 અબજનું વેલ્યૂએશન કરવા માંગે છે.મામાઅર્થે ગયા વર્ષે રૂ. 22 કરોડનો નફો નોંધાવ્યો હતો.

જો કંપની તેના વેલ્યૂએશન પર શેરબજારમાં લિસ્ટિંગ કરાવે તો તે તેના નફાના 1000 ગણા પર લિસ્ટેડ થનારી કંપની બની જશે. ઉલ્લેખનીય છે કે, હિન્દુસ્તાન યુનિલિવરનો ગયા વર્ષનો નફો ₹9000 કરોડ હતો અને કંપનીનું વેલ્યૂએશન 66 ગણું અર્થાત રૂ. 6 લાખ કરોડ હતું.

મામાઅર્થની જાહેરાત અને કમાણીનો ગુણોત્તર વિશે સોશિયલ મિડિયામાં એવું ચગાવાઇ રહ્યું છે કે, મામાઅર્થ એક રૂપિયો ખર્ચીને ₹2.5નું વેચાણ કરે છે. છેલ્લા 3.5 વર્ષમાં મામા અર્થની કુલ આવક ₹2000 કરોડ છે. તેની સામે જાહેરાત પાછળનો ખર્ચ લગભગ 600 કરોડ રૂપિયા થાય છે.

જોકે, ગઝલ અલઘે જણાવ્યુ હતું કે, ડીઆરએચપીમાં કોઇ વેલ્યૂએશન વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કંપનીએ રૂ. 400 કરોડના આઇપીઓ માટે અરજી કરી છે તેમાં મોટાભાગની ઓફર ફોર સેલ હશે.