નવી દિલ્હી, 30 માર્ચ:  ટેલિકૉમ, રેલવે તેમજ સંરક્ષણ ક્ષેત્રોમાં સંદેશાવ્યવહાર નેટવર્ક ઑફર કરતી ટેકનોલોજી કંપની HFCL લિમિટેડને ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન (GMRC) લિમિટેડ તરફથી ₹282.61 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. કંપની તેને કોન્ટ્રેક્ટ મળ્યાના 90 સપ્તાહમાં સુરત મેટ્રો રેલ યોજનાના ફેઝ-1 માટે ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ સ્થાપિત કરશે. આ યોજનાના ભાગરૂપે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે HFCL ટેલિકમ્યુનિકેશન સિસ્ટમની ડિઝાઈન, ઉત્પાદન, સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ તેમજ સંચાલનનું કામ હાથ ધરશે.

હાલ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટના ભાગરૂપે કંપનીએ તાજેતરમાં જ કાનપુર-આગરા મેટ્રો રેલ યોજના માટે કોન્ટ્રેક્ટ મેળવ્યો છે જેમાં સંદેશાવ્યવહાર નેટવર્કને સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત કંપની ભારતીય રેલવેના સાત ગ્રીનફિલ્ડ માલવહન કોરિડોર માટે ટેલિકૉમ નેટવર્ક પ્રસ્થાપિત કરી રહી છે. તથા 600 કરતાં વધુ રેલવે સ્ટેશનો પર વીડિયો મેનેજમેન્ટ સિસ્ટમ પણ કંપની સ્થાપિત કરી રહી છે. ભારતીય રેલવેના (82 કિલોમીટરના) પાલવાલ-મથુરા સેક્ટર ઉપર 5-જી ટ્રાયલ માટે મેન્ડેટ મેળવનાર અન્ય કંપનીઓ પૈકી એક HFCL પણ છે.