સેન્ટ્રલ લંડનમાં પાલ મોલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સમાં આયોજિત  “હિંદુજાસ એન્ડ બોલીવૂડ” પુસ્તકના લોકાર્પણ પ્રસંગે હિંદુજા બંધુઓ અભિનેતા અક્ષય કુમાર સાથે.

ફિલ્મ વિવેચક અજિત રાયે ભારતીય સિનેમામાં હિંદુજા પરિવારના પ્રદાન પર પ્રકાશ ફેંક્યો

મુંબઈ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આયોજિત સેન્ટ્રલ લંડનમાં એક કાર્યક્રમમાં કોમનવેલ્થ અને સંયુક્ત રાષ્ટ્ર માટે એમઓએસ લોર્ડ તારીક અહમદ, બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે હિંદુજાસ એન્ડ બોલીવૂડ નામના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું, જેને પ્રસિદ્ધ ભારતીય વિવેચક અજિત રાયે લખ્યું છે. આ પુસ્તકમાં ભારતીય સિનેમાના સોનેરી કાળ તરીકે ઓળખાતા ગાળાની અજાણી બાબતો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આ કાળમાં હિંદુજા પરિવાર મોટા ભાગે ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સંરક્ષક હતો અને હિંદુજા પરિવારે ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે વિદેશમાં બજાર ઊભું કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. હિંદુજા ફિલ્મનું ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાણ 50ના દાયકાથી 90ના દાયકામાં ગાઢ હતું, જેમાં રાજકપૂર, દેવ આનંદ વગેરે નિર્દેશકો સાથે સફળ જોડાણ સામેલ છે. હિંદુજા પરિવારે 1200થી વધારે ફિલ્મોના નિર્માણ માટે ધિરાણ કર્યું હતું, જેમાં સંગમ અને શ્રી 420 જેવી આઇકોનિક ફિલ્મો સામેલ હતી તેમજ ખાસ કરીને મનમોહન દેસાઈ સાથે અતિ સફળ જોડાણ સામેલ છે, જેના પરિણામે “નસીબ”, “કૂલી”, “સુહાગ” અને “મર્દ” જેવી સુપરડુપર હિટ ફિલ્મોની ભેટ મળી હતી, જેમાં બોલીવૂડના અત્યાર સુધીના સૌથી વધુ લોકપ્રિય અને આઇકોનિક સુપરસ્ટાર અમિતાભ બચ્ચન મુખ્ય નાયક હતા.

હિંદુજા ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના કો-ચેરમેન જી પી હિંદુજાએ આ પુસ્તકના લોકાર્પણ પર કહ્યું હતુ કે, “ભારત અને દુનિયાના અન્ય દેશો વચ્ચે સિનેમાના ક્ષેત્રમાં સહ-નિર્માણ માટે ઘણી સંભાવનાઓ રહેલી છે. આ પુસ્તક નવી પેઢીના ફિલ્મનિર્માતાઓ અને સિનેમાપ્રેમીઓને પ્રેરિત કરશે. અમે ફાઇનાન્સ કરેલી અને વિતરણ કરેલી તમામ બોલીવૂડ ફિલ્મોમાં અમે ક્યારેય નાણાં ગુમાવ્યાં નથી, કારણ કે અમે નાણાં કમાવવા બહુ મહેનત કરીએ છીએ.”

આ પુસ્તકમાં જણાવ્યા મુજબ, “અત્યારે હિંદી ફિલ્મો દુનિયાભરમાં સારો વ્યવસાય કરે છે,પણ એનો પાયો 1955માં ઇરાનમાં હિંદુજા બંધુઓએ નાંખ્યો હતો. ઇરાનમાં શરૂ થયેલી આ સફર દુનિયાભરમાં ઝડપથી લોકપ્રિય થઈ હતી. અત્યારે ભાગ્યે જ કોઈ માની શકે કે, આશરે 50 વર્ષ અગાઉ જ્યારે રાજકપૂરની ફિલ્મ “સંગમ” ઇરાનમાં પર્શિયન ભાષામાં ડબ થઈને રીલિઝ થઈ હતી અને ત્રણ વર્ષ ચાલી હતી તથા ઇજિપ્તની રાજધાની કૈરોમાં એક વર્ષ ચાલી હતી.”

આ પુસ્તકમાં ઉમેરવામાં આવ્યું હતું કે, મહેબૂબ ખાનની “મધર ઇન્ડિયા” અને રમેશ સિપ્પીની “શોલે” પણ ઇરાનમાં એક વર્ષ ચાલી હતી. ભારતીય ઉદ્યોગપતિઓ હિંદુજા બંધુઓએ 1954-55થી 1984-85 સુધી આશરે 1200 હિંદી ફિલ્મોને દુનિયાભરમાં પ્રદર્શિત કરી હતી તથા આ રીતે “બોલીવૂડ”એ આંતરરાષ્ટ્રીય સ્તરે આકાર લીધો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત ફોરેન અને કોમનવેલ્થ અફેર્સ માટેના સ્ટેટ મિનિસ્ટર લોર્ડ તારીક અહમદે ભારતીય ડાયસ્પોરાને એકમંચ પર લાવવામાં હિંદુજા પરિવારના પ્રદાનની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે કહ્યું હતું કે, “હું ફિલ્મો બનાવીને ખુશ છું….એક અભિનેતા તરીકે મેં સામાજિક મુદ્દાઓ ઉઠાવવામાં શક્ય તમામ પ્રયાસ કર્યો છે. મેં 150 ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેમાં મારી સૌથી વધુ પસંદગીની ફિલ્મ છે ‘રક્ષાબંધન.'”