વેસ્ટેડ ફાઇનાન્સની ગ્રેસ્કેલના વિવિધ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ક્રિપ્ટોમાં રોકાણની ઓફર
- ક્રિપ્ટો કરન્સીઓની સીધી ખરીદી કર્યા વિના ક્રિપ્ટો એસેટમાં રોકાણ કરવાની સુવિધા
- રોકાણકારોને તાજેતરની જોગવાઈઓ મુજબ સીધા રુટ મારફતે ક્રિપ્ટો ગેઇન પર 30 ટકા કરવેરો અને 1 ટકા ટીડીએસ ચુકવવો પડે છે, જેની સરખામણીમાં ગ્રેસ્કેલ દ્વારા રોકાણ પર એલઆરએસ અંતર્ગત કરવેરો ચુકવવો પડશે
ભારતીય રોકાણકારોને અમેરિકન સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની સુવિધા આપતાં ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ વેસ્ટેડ ફાઇનાન્સે તેના પ્લેટફોર્મ પર પોતાની પ્રીમિયમ ઓફરમાં ગ્રેસ્કેલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ક્રિપ્ટો કરન્સીનું પીઠબળ ધરાવતી સીક્યોરિટીઝની ઓફર ઉમેરી છે. ગ્રેસ્કેલ દ્વારા ઓફર થતી સીક્યોરિટીમાં રોકાણ કરીને ભારતીય રોકાણકારો બિટકોઇન, ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટો કરન્સીઓમાં પરોક્ષ રીતે રોકાણ કરી શકે છે, જે માટે તેમને કોઈ પણ ક્રિપ્ટો કરન્સીની ખરીદી સીધી કરવાની જરૂર નથી. આ રીતે થતું રોકાણ અમેરિકન ઇક્વિટીઝમાં રોકાણની જેમ કેપિટલ ગેઇન્સના કાર્યક્ષેત્રમાં આવે છે તથા બજેટ 2022માં પ્રસ્તુત ક્રિપ્ટો ગેઇન પર 30 ટકા કરવેરા અને દરેક વ્યવહાર પર 1 ટકા ટીડીએસની જોગવાઈને આધિન નથી.
ગ્રેસ્કેલ દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી એસેટ મેનેજર છે, જે એપ્રિલ, 2022 સુધી 40 અબજ ડોલરની એયુએમ ધરાવતી હતી. ગ્રેસ્કેલ સીક્યોરિટીઝનું ટ્રેડિંગ ઓવર-ધ-કાઉન્ટર (ઓટીસી) બજારોમાં થાય છે.
વેસ્ટેડ દ્વારા રોકાણકારો નીચેની ગ્રેસ્કેલ સીક્યોરિટીઝમાં રોકાણ કરી શકે છેઃ
- ગ્રેસ્કેલ બિટકોઇન ટ્રસ્ટ (GBTC)
- ગ્રેસ્કેલ ઇથેરિયમ ટ્રસ્ટ (ETHE)
- ગ્રેસ્કેલ લાઇટકોઇન ટ્રસ્ટ (LTCN)
- ગ્રેસ્કેલ ઇથેરિયમ ક્લાસિક ટ્રસ્ટ (ETCG)
- ગ્રેસ્કેલ બિટકોઇન કેશ ટ્રસ્ટ (BCHG)
જો રોકાણકારો સિંગલ ફંડ દ્વારા લાર્જ-કેપ ડિજિટલ એસેટના બાસ્કેટમાં રોકાણ કરવા ઇચ્છતાં હોય, તો તેઓ ગ્રેસ્કેલ ડિજિટલ લાર્જ કેપ ફંડ (GDLC)માં રોકાણ કરવાનો વિકલ્પ ધરાવે છે. જ્યારે 90 ટકા ફંડનું રોકાણ હાલ બિટકોઇન અને ઇથેરિયમમાં થાય છે, ત્યારે ફંડ લાઇટકોઇન, સોલાના, કાર્ડાનો, એવલન્ચ અને અન્ય કોઇનમાં પણ રોકાણ ધરાવે છે.
ગ્રેસ્કેલ દ્વારા ઓફર થતી સીક્યોરિટીઝમાં રોકાણ પર ભારતમાં 30 ટકા ક્રિપ્ટો કરવેરો અને દરેક વ્યવહાર પર 1 ટકા ટીડીએસ લાગુ નહીં થાય. એના બદલે એના પર અમેરિકન બજારમાં રોકાણની જેમ સમાન કરવેરો લાગુ થશે. શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ (જો રોકાણ 36 મહિનાથી ઓછો સમય જાળવવામાં આવે) વ્યક્તિગત કરવેરાના સ્લેબ મુજબ લાગુ થશે. લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (જો રોકાણ 36 મહિનાથી વધારે જાળવવામાં આવશે) ઇન્ડેક્સેશન ફાયદા સાથે 20 ટકા લાગુ પડશે. ઉપરાંત રોકાણકારોને તેમની ક્રિપ્ટો એસેટની સલામતીને લઈને ચિંતા કરવાની જરૂર નહીં રહે, કારણ કે આ કામગીરી એસેટ મેનેજર – ગ્રેસ્કેલ અદા કરે છે.
વેસ્ટેડ પર ગ્રેસ્કેલના ઉત્પાદનો પ્રસ્તુત કરવા વિશે વેસ્ટેડ ફાઇનાન્સના સહ-સ્થાપક અને સીઇઓ વિરમ શાહે કહ્યું હતું કે, ક્રિપ્ટો એસેટ્સ પર કરવેરાથી ભારતીય રોકાણકારો મટે ક્રિપ્ટોમાં રોકાણ કરવાનું આકર્ષણ ઘટ્યું છે. ગ્રેસ્કેલ મારફતે રોકાણકારો સ્ટોકમાં રોકાણ કરીને ક્રિપ્ટોમાં રોકાણ કરી શકે છે અને સાથે સાથે ઊંચા કરવેરા પણ લાગુ નહીં થાય. ઉપરાંત તેમણે તેમના ક્રિપ્ટો એસેટ કે હોલ્ડિંગ્સની સલામતી ચિંતા કરવાની જરૂર નથી. એનાથી રોકાણકારોને વધારે વિકલ્પ મળશે, કારણ કે હવે તેઓ તેમના પોર્ટફોલિયોમાં ક્રિપ્ટો એસેટ ઉમેરવાની વૈકલ્પિક રીત ધરાવશે.
રોકાણકારોએ ધ્યાનમાં લેવું જોઈએ કે, તમામ પ્રકારના રોકાણમાં જોખમ હોય છે અને અગાઉની કામગીરી ભવિષ્યમાં વળતરની ખાતરી આપતી નથી. ઉપરાંત રોકાણ સાથે કોઈ પણ નિર્ણય લેતા અગાઉ તમારે કરવેરા સલાહકારની સલાહ લેવી હિતાવહ છે.