સરકારની સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની નીતિનો 10 સ્ટાર્ટઅપ્સે પ્રાઈમરી માર્કેટમાંથી ઉઠાવ્યો “લાભ” પણ રોકાણકારોને થયો ગેરલાભ

લિસ્ટિંગ સમયે જ ભાવ તૂટી જતાં રોકાણકારો રડ્યા ત્યારે આઇપીઓના પૈસા ગજવે કરનારા એક પ્રમોટરે પણ મગરના આંસુ સાર્યા હતા

ઈશ્યૂ પ્રાઈઝની સરખામણીએ 10 સ્ટાર્ટઅપ્સ આઇપીઓમાં રોકાણકારોએ અંદાજિત રૂ. 1.62 લાખ કરોડ ગૂમાવ્યા છે. 10 સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ કેપ 369379.5 કરોડ સામે આજના બંધની ગણતરીએ 207366.75 કરોડ થઈ છે

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ભારે ચહલ-પહલ અને હાઇપ સર્જનારા 10 સ્ટાર્ટઅપ IPOમાં હવે નામ બડે ઔર દર્શન ખોટેની લાગણી પ્રાઇમરી માર્કેટના રોકાણકારો અનુભવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં રોકાણકારોના રૂ. 1.62 લાખ કરોડ ધોવાયા હોવાનું કંપનીઓની IPO પ્રાઇસ અને તેમની વર્તમાન બજાર ભાવની સ્થિતિ ઉપરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. નાયકા, પેટીએમ અને કાર ટ્રેડના IPOમાં લિસ્ટેડ શેર્સની કિંમત તેમની ઇશ્યૂ ભાવ કરતાં અનુક્રમે 83 ટકા, 75 ટકા અને 70 ટકા સુધી સાફ થઇ ગઇ છે. અન્ય સ્ટાર્ટઅપ IPOમાં પણ રોકાણકારોની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે.

કયા 10 સ્ટાર્ટઅપ IPOમાં ફસાયા રોકાણકારો

Paytm, Zomato, Nykaa, delhivery, policybazar, ફીનો પેમેન્ટ બેન્ક, નઝારા ટેકનોલોજી, રેટગેઇન ટ્રાવેલ, મેડપ્લસ હેલ્થ અને કાર ટ્રેડ ટેકના IPOમાં પ્રાઇમરી માર્કેટના રોકાણકારો આંગળા દઝાડી ચૂક્યા છે.

સરકારની સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની નિતિનો “લાભ” ઊઠાવવા સાથે 10 સ્ટાર્ટઅપ કંપનીઓએ આશરે 18 અબજ ડોલરનું ફંડ એકત્ર કર્યું હતું. જ્યારે IPO આવ્યા ત્યારે માર્કેટ કન્ડિશન થોડી કરેક્ટિવ મોડમાં હતી. પરંતુ માર્કેટ્સ હવે જ્યારે ઓલટાઇમ હાઇની નજીક પહોંચ્યા છે. છતાં આ તમામ IPOમાં રોકાણકારોની મૂડી સલવાઇ ગઇ છે. મોટાભાગના પોર્ટફોલિયો મેનેજર્સ અને એડવાઇઝર્સનું માનવું છે કે, આ કંપનીઓના IPOની ઇશ્યૂ પ્રાઇસ તેમની બેલેન્શીટ કે તેમના ફન્ડામેન્ટલ્સને કોઇ સપોર્ટ કરી રહી નહોતી. પ્રિ-IPO ઇન્વેસ્ટ કરીને બેઠેલા મોટા ઇન્વેસ્ટર્સ હવે તેમના લોકઇન પિરિયડની સમાપ્તિ સાથે માર્કેટમાં શેર્સ ઠાલવી રહ્યા હોવાથી આ સ્ટાર્ટઅપ IPOના શેર્સ સાવ તળિયાના ભાવે પહોંચી ગયા હોવાથી રોકાણકારોને માથે હાથ દઇને રોવા વારો આવ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આ તમામ શેર્સમાં બોટમ ફિશિંગથી દૂર રહો

મોટાભાગના બ્રોકરેજ હાઉસ એવી સલાહ આપી રહ્યા છે કે, જો IPO યોજનારી તમામ સ્ટાર્ટઅપ કંપનીઓ પાસે જો નફાકારકતા અને બેલેન્શીટની મજબૂતાઇનું કોઇ સ્પષ્ટ ચિત્ર ના હોય તો તેમાં તળિયાનો ભાવ છે તેમ સમજી બોટમ ફિશિંગ (સસ્તામાં ખરીદવાની લાલાચ)થી દૂર રહેવું જોઇએ.

10 સ્ટાર્ટઅપ આઇપીઓઃ પ્રમોટર્સ કમાયા, રોકાણકારો ધોવાયા

સ્ટાર્ટઅપઈશ્યૂ પ્રાઈઝછેલ્લો બંધઘટાડો
Nykaa112518683.46%
Paytm215054074.88%
Cartrade161849269.59%
Fino payments57718567.94%
PB fintech98037361.93%
Nazara technologies110156748.50%
Rategain travel42528632.70%
Delhivery48736724.64%
Medplus health79662521.48%
Zomato766810.53%

(*કંપનીએ 1 શેરદીઠ 5 બોનસ શેરની ફાળવણી કરી તેને ગણતરીમાં લીધી નથી)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)