Mamaearthએ IPO પાછો ખેંચવાની વાતને અફવા ગણાવી
નવી દિલ્હી, ઈન્ડિયન સ્કિન કેર સ્ટાર્ટઅપ મામાઅર્થે માર્કેટના નબળા સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને IPO લાવવાની યોજના અભેરાઇએ ચડાવી હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. પરંતુ કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ છે કે, અમે અમારી આઇપીઓ યોજના એજ રીતે આગળ ધપાવી રહ્યા છીએ. આ અગાઉ અન્ય બે કંપનીઓએ પણ IPO પડતાં મૂક્યા હતા. કંપનીએ વર્તમાન માહોલને પગલે આઈપીઓ યોજના સ્થગિત કરી હોવાનું બજારમાં ચર્ચાતું હતું. મામાઅર્થની મૂળ કંપની હોનાસા કન્ઝ્યુમર લિમિટેડે ડિસેમ્બરમાં IPO માટે દસ્તાવેજો સબમિટ કર્યા હતા.
કંપનીએ ફ્રેશ ઈશ્યૂ અને OFS દ્વારા રૂ. 1600થી 2000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. કંપનીએ ત્રણ અબજ ડોલરના મૂલ્યાંકન સાથે આઈપીઓ લાવવાની યોજના બનાવી હતી. સિક્વોઇયા કેપિટલ અને બેલ્જિયમની સોફિના-રોકાણવાળી વરુણ અને ગઝલ અલાઘ દ્વારા 2016માં સ્થપાયેલ મામાઅર્થ, ભારતમાં ઝડપથી વિકસતું બ્યૂટી એન્ડ પર્સનલ કેર માર્કેટ છે. આ બજાર 2026 સુધીમાં $30 અબજનું થવાનો અંદાજ છે.કંપનીના IPO દસ્તાવેજ અનુસાર, ભારતનું બ્યૂટી એન્ડ પર્સનલ કેર માર્કેટ વાર્ષિક 12 ટકાના દરે વધી રહ્યું છે. જાન્યુઆરી 2022માં કંપનીનું મૂલ્યાંકન $1.2 અબજ હોવાનો અંદાજ હતો.