અમદાવાદ, 28 નવેમ્બરઃ સાઉદી અરેબિયાએ વિદેશમાંથી આવતા ઘરેલુ કામદારોની ભરતી કરવા માટે વિઝા આપવા માટે કડક નિયમો રજૂ કર્યા છે, જેમાં ડોમેસ્ટિક લેબર માટે વિઝા મેળવવા સિંગલ એમ્પ્લોયર માટે લઘુત્તમ વય મર્યાદા 24 વર્ષ છે.

સાઉદી અરેબિયામાં ઘરેલું લેબરની દેખરેખ રાખતા સરકારી પ્લેટફોર્મ મુસાનેડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નિયમો અનુસાર, વિઝા અરજીઓ માટે ચોક્કસ માપદંડોની રૂપરેખા જારી કરી છે. આ નિયમો હેઠળ, સાઉદી નાગરિકો, અખાતના નાગરિકો, સાઉદી પુરુષોની વિદેશી પત્નીઓ અને તેમની માતાઓ, સાઉદી પ્રીમિયમ રેસિડન્સી પરમિટ ધારકો સાથે નોકરીદાતાઓની નાણાકીય ક્ષમતાઓને આધારે વિદેશી ઘરેલું મજૂરોને રાખવા માટે વિઝા માટે અરજી કરી શકે છે. તે સિવાયના લોકો અરજી કરી શકશે નહીં.

સઉદી અરબના સ્થાનિક લેબર માર્કેટને રેગ્યુલેટર અને સ્ટ્રીમલાઈન કરવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું આવ્યું છે. માનવ સંસાધન મંત્રાલયે ગ્રાહકોને તેમના અધિકારો, ફરજો અને સંબંધિત સેવાઓ વિશેની માહિતી સાથે સશક્ત બનાવવા માટે મુસાનેડ પ્લેટફોર્મની સ્થાપના કરી છે. આ સેવાઓમાં વિઝા જારી, ભરતીની અરજીઓ અને એમ્પ્લોયર તથા કામદારો વચ્ચેના કરાર સંબંધનો સમાવેશ થાય છે.

મુસાનેડ પ્લેટફોર્મ ડિજિટલ સેવાઓ જેમ કે STC પે અને Urpay એપ્સ દ્વારા મજૂરોને વેતન ટ્રાન્સફરની સુવિધા આપે છે. વધુમાં, તે નોકરીદાતાઓ વચ્ચે હાઉસ વર્કરની સેવાનું ટ્રાન્સફર, ઘરેલું મજૂર કરારનું પ્રમાણીકરણ અને વિવાદોના નિરાકરણ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

ઘરની સંભાળ રાખનાર, ડ્રાઈવર, ઘરકામ કરતી, ક્લીનર્સ, રસોઈયા, રક્ષકો, ખેડૂતો, દરજીઓ, લિવ-ઈન નર્સ, ટ્યુટર અને નેની સહિત ઘરેલું કામદારોની વિવિધ શ્રેણીઓ આ નિયમો હેઠળ આવરી લેવામાં આવી છે. આ પગલાનો ઉદ્દેશ્ય ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનો છે જ્યારે વિવાદોને ઉકેલવા અને નોકરીદાતાઓ અને ઘરેલું કામદારો બંનેના અધિકારોને સુનિશ્ચિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.