અમદાવાદઃ વૈશ્વિક શેરબજારો અને ઇકોનોમિના મિશ્ર સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારો વોલેટિલિટી વચ્ચે પણ છેલ્લે સ્થિર બંધ રહ્યા હતા.  દિવસ દરમિયાન બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સાંજે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ થઈને બંધ થયા હતા. એરટેલ અને અદાણી ટ્રાન્સમિશનના શેર્સ ટોપ લુઝર્સમાં હતા. જ્યારે ઈન્ડિયન ઓઈલ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 9.98 પોઈન્ટ એટલે કે 0.017 ટકાના ઘટાડા સાથે 60,105.50 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 18.45 પોઈન્ટ એટલે કે 0.10 ટકા ઘટીને 17,895.70 પોઈન્ટ સાથે બંધ થયો છે.

સેન્સેક્સના 30માંથી 14 શેરમાં સુધારો નોંધાયો હતો. જ્યારે 16 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ પેકમાં સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCS, HDFC બેન્કના શેરમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જ્યારે, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ, ટેક મહિન્દ્રા, કોટક બેંક, એસબીઆઈ, વિપ્રો, ઈન્ફોસીસ અને બજાજ ફાઈનાન્સે નજીવો સુધારો નોંધાવ્યો હતો.

નિફ્ટી હેલ્થકેર અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સના શેરમાં ઘટાડો જોવાયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો શેર ટોપ ગેનર્સમાં હતો. IOCનો શેર રૂ. 2.95 અથવા 3.66 ટકા વધીને રૂ. 83.55 પ્રતિ શેર થયો હતો. ભારતી એરટેલ અને અદાણી ટ્રાન્સમિશન ટોપ લુઝર્સમાં હતા. ભારતી એરટેલનો શેર રૂ. 22 અથવા 5.45 ટકાથી વધુ ઘટીને રૂ. 395.70 પ્રતિ શેર પર બંધ થયો હતો. એ જ રીતે અદાણી ટ્રાન્સમિશનનો શેર રૂ. 85.55 અથવા 3.23 ટકા ઘટીને રૂ. 2,566.45 પર બંધ થયો હતો.