અમદાવાદ, 16 જાન્યુઆરીઃ દેશની ટોચની પેસેન્જર કાર મેન્યુફેક્ચરર મારૂતિ સુઝુકી (Maruti Suzuki India)એ તેના તમામ કાર મોડલની કિંમતમાં 0.45 ટકાનો વધારો કર્યો હાવની જાહેરાત કરી છે. કંપનીએ કોમોડિટીના ઉંચા ભાવોના કારણે ઉત્પાદન ખર્ચ વધતાં આ ભાવ વધારો આજથી 16 જાન્યુઆરીએથી લાગૂ કરવા નિર્ણય લીધો છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ અંગે જણાવ્યું હતું.

અગાઉ કંપનીએ ગતવર્ષે 1 એપ્રિલમાં તેના તમામ મોડલ્સની કિંમતો વધારી હતી. મારૂતિ સુઝુકી 3.54 લાખની અલ્ટોથી માંડી 28.42 લાખ (એક્સ શોરૂમ) સુધીની Invicto સહિતની વિશાળ રેન્જમાં કાર મોડલ વેચે છે.

દેશમાં સૌથી વધુ વેચાતી લોકપ્રિય કાર બ્રાન્ડ મારૂતિ સુઝુકીએ ગત ડિસેમ્બર, 2023માં કુલ 137551 કાર વેચી હતી. અગાઉના વર્ષની તુલનાએ વેચાણો 1.28 ટકા ઘટ્યા હતા. કંપનીએ ડિસેમ્બર, 2023માં સ્થાનિક સ્તરે 106492 યુનિટ અને 26884 કારની નિકાસ કરી હતી. OEMને 4175 યુનિટ વેચ્યા હતા. ઈનપુટ કોસ્ટમાં વૃદ્ધિના કારણે મારૂતિ સુઝુકી ઈન્ડિયાના ઉત્પાદન ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 3 ટકાઘટ્યા હતા.

ગુજરાતમાં 32 હજાર કરોડનો પ્લાન્ટ સ્થાપિત કરશે

ગાંધીનગર ખાતે ગત સપ્તાહે યોજાયેલ ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 2024માં મારૂતિ સુઝુકીએ ગુજરાતમાં 32 હજાર કરોડના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. જે વાર્ષિક 10 લાખ વાહનોનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટ નાણાકીય વર્ષ 2028-29 સુધીમાં કાર્યરત કરાશે. તદુપરાંત તેની પેટા કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રા.લિ.માં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા રૂ. 3200 કરોડનું રોકાણ કરશે.

વોલ્વો ઈન્ડિયાએ પણ કિંમતમાં વધારો કર્યો

એક દિવસ પહેલા વોલ્વો કાર ઈન્ડિયાએ તેના કન્વેન્શિયલ એન્જિન વાહનોની કિંમતમાં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે લક્ઝરી કાર નિર્માતા કંપનીએ તેના ઇલેક્ટ્રિક વાહનોની કિંમતો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

વોલ્વો કાર ઈન્ડિયાના એમડી જ્યોતિ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “અમે ટકાઉ લક્ઝરી ઇ-મોબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે 2030 સુધીમાં એક ઓલ-ઇલેક્ટ્રિક કંપની બનવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. ઇવીને અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગ રૂપે, અમે નક્કી કર્યું છે કે ફોરેક્સ અને ઇનપુટ ખર્ચમાં વધારો હોવા છતાં અમારા EVsની કિંમતોને યથાવત રાખીશું.”