અમદાવાદ, 16 જાન્યુઆરીઃ શેરબજારમાં સુરક્ષિત ગણાતા ડેટ ફંડ સેગમેન્ટમાં ઉંચી યીલ્ડ સાથે બોન્ડ જારી કરવાનુ પ્રમાણ વધ્યું છે. ગત કેલેન્ડર વર્ષમાં યોજાયેલા પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળના 920 કોર્પોરેટ બોન્ડમાંથી 59 ટકા બોન્ડ્સે રોકાણકારોને 7-8 ટકા જ્યારે 16 ટકા બોન્ડ્સમાં 8-9 ટકા વ્યાજ મેળવ્યું છે. જે બેન્ક એફડીના 6.00-6.50%ની એવરેજ કરતાં વધુ છે.

2023માં કુલ 920 કોર્પોરેટ બોન્ડ્સે પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળ રૂ. 9,58,125 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. જે ગતવર્ષની 7.58 લાખ કરોડ ફંડની તુલનાએ 26 ટકા વધ્યું છે. જેમાં 5.61 લાખ કરોડના બોન્ડની યીલ્ડ 7થી 8 ટકા, જ્યારે 1.54 લાખ કરોડના બોન્ડની યીલ્ડ 8-9 ટકા હતી. જ્યારે 89095 કરોડના કોર્પોરેટ બોન્ડ્સે રોકાણકારોને 10 ટકાથી વધુ વ્યાજ આપવાની ખાતરી આપી હતી.

પ્રાઈવેટ સેક્ટરની એનબીએફસી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની કંપનીઓ દ્વારા સૌથી વધુ કોર્પોરેટ બોન્ડ્સ જારી થયા છે. જેમાં 318 એનબીએફસી-ફાઈ. સર્વિસિઝ બોન્ડ દ્વારા રૂ. 2.38 લાખ કરોડ, જ્યારે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં 2.06 લાખ કરોડના 549 કોર્પોરેટ બોન્ડ પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળ યોજાયા હતા.

સૌથી વધુ ફંડ એકત્ર કરનાર ટોચના કોર્પોરેટ બોન્ડ્સ

બોન્ડફંડ
HDFC74062 કરોડ
NABARD63164 કરોડ
PFC52575 કરોડ
REC51354 કરોડ
SBI51080 કરોડ

બેન્કિંગ/ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરે બજાર પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. સામૂહિક રીતે ₹7,07,932 કરોડના કોર્પોરેટ બોન્ડ્સ જારી કર્યા હતા. હાઉસિંગ/સિવિલ કન્સ્ટ્રક્શન/રિયલ એસ્ટેટ સેક્ટર 6 ટકા શેર (₹55,379 કરોડ) સાથે બોન્ડ જારી કરવામાં બીજા ક્રમે છે. ગયા વર્ષે 408ની સરખામણીમાં 2023માં 404 ફર્સ્ટ ટાઈમ ઈશ્યુઅર્સ માર્કેટમાં આવ્યા હતા.

પબ્લિક બોન્ડ મારફત ફંડિંગનું પ્રમાણ 175 ટકા વધ્યું

પબ્લિક બોન્ડ માર્કેટમાં 44 ઈસ્યુએ ₹18,176 કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે ગયા વર્ષે ₹6,611 કરોડ એકત્ર કર્યા હતા તે 29 ઈસ્યુની સરખામણીમાં પબ્લિક બોન્ડ માર્કેટમાં લગભગ 175 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સૌથી મોટો ઇશ્યૂ પાવર ફાઇનાન્સ કોર્પોરેશનનો હતો જેણે ₹2,824 કરોડ ઊભા કર્યા હતા. વધુમાં, ભારતીય કંપનીઓએ પણ ઓવરસીઝ ડેટ (ECB$ સહિત) દ્વારા ₹3.29 લાખ કરોડ એકત્ર કર્યા હતા, જે 2022માં ₹3.18 લાખ કરોડથી 4 ટકા વધારે છે.