અમદાવાદ, 26 એપ્રિલઃ મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં 43 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. ચોખ્ખો નફો વધીને 2,624 કરોડ રૂપિયા નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળઆમાં રૂ. 1839 કરોડ હતો. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 20 ટકા વધીને રૂ. 32,048 કરોડ થઈ હતી. માર્ચ ત્રિમાસિક-22માં કંપનીની ઓપરેટિંગ આવક રૂ. 26,740 કરોડ હતી.

શેરદીઠ રૂ. 90નું ડિવિડન્ડ જાહેર

મારૂતિ સુઝુકીના બોર્ડે શેરધારકો માટે શેર દીઠ રૂ. 90ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

મારૂતિ સુઝુકીએ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન 5,14,927 વાહનોનું વેચાણ કર્યું હતું. જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 5.3 ટકા વધુ છે. બોર્ડે દર વર્ષે 10 લાખ વધારાના વાહનો બનાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. કંપની માનેસર અને ગુરુગ્રામમાં 1.3 મિલિયન વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. ક્ષમતા વધારવા માટે આગામી સમયમાં રોકાણ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

વાર્ષિક નફો બમણો વધી રૂ. 8049 કરોડ નોંધાયો

માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1 લાખ કરોડથી વધ્યું હતું. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. 8,049 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2021-22ના રૂ. 3,766 કરોડની સરખામણીએ લગભગ બમણો છે.

શેરમાં નોંધાયો નજીવો સુધારો

બુધવારે મારૂતિનો શેર 0.19 ટકા વધીને રૂ. 8,485 પર બંધ થયો હતો. અગાઉના સત્રમાં તે રૂ. 8,468.90ના સ્તરે બંધ રહ્યો હતો.