મુંબઈ, 15 ફેબ્રુઆરી: મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની ફરિયાદો 2023-24ના પ્રથમ 6 માસમાં 485 ફરિયાદો મળી, ગત વર્ષે 619 મળી હતી. તે અંગે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા (AMFI)એ જણાવ્યું છે કે સતત ઓછી ફરિયાદો સૂચવે છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સેવાની ગુણવત્તા તથા પારદર્શકતાને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે અને રોકાણકારોમાં વિશ્વાસનો મજબૂત પાયો ઊભો કરી રહી છે. AMFIને રોકાણકારો તથા ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી અને સેબી દ્વારા ફરિયાદો મળી હતી. આ ફરિયાદોનું તેના પ્રકાર અને પ્રકૃતિના આધાર પર સામાન્ય અને ગંભીર એમ બે કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે.

30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થતા અર્ધવાર્ષિક ગાળા માટે ઇન્વેસ્ટર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી મળેલી સમસ્યાઓ/ફરિયાદોનો આંક માત્ર 485 ફરિયાદો જેટલો જ રહ્યો હતો. આ પૈકી 428 ફરિયાદો સીધી રોકાણકારો/ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી મળી હતી જ્યારે 57 ફરિયાદો સેબી તરફથી મળી હતી.આ જ સમયગાળા દરમિયાન નેટ એયુએમ એપ્રિલ 2023માં 41,61,821.62 કરોડથી વધીને સપ્ટેમ્બર 2023ના અંતે 46,57,755.22 કરોડ થઈ હતી જે મજબૂત ઇક્વિટી માર્કેટ, સ્થિર વ્યાજ દરો અને મજબૂત આર્થિક વૃદ્ધિ સહિતની સાનુકૂળ સ્થિતિઓને આભારી હતી. ઉદ્યોગ ઝડપી ગતિએ વધી રહ્યો છે ત્યારે ડેટા સૂચવે છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સામેની ફરિયાદો ઓછી છે.ફરિયાદોની સંખ્યા ગયા વર્ષ કરતા ઓછી થઈ છે. નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ 619 ફરિયાદો મળી હતી જે પૈકી 494 ફરિયાદો સીધી ઇન્વેસ્ટર્સ/ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી મળી હતી જ્યારે 125 ફરિયાદો સેબી દ્વારા મળી હતી.

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ઓછી ગ્રાહક ફરિયાદો સાથે નાણાંકયી બજારમાં બધાથી અલગ તરી આવે છે જે તેની પારદર્શક તથા ડિસ્ક્લોઝર-કેન્દ્રિત રિપોર્ટિંગ પ્રેક્ટિસ દર્શાવે છે.

AMFIના ચીફ એક્ઝિક્યુટિવ વેંકટ ચલાસાનીએ જણાવ્યું હતું કે “ઉદ્યોગ અને તેના ડિસ્ટ્રીબ્યુટર્સ સામેની ફરિયાદો ખૂબ જ ઓછી રહી છે. ગ્રાહકોની ફરિયાદોના મામલે સૌથી નીચલા ક્રમે રહેવું એ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના રોકાણકારોની સુરક્ષા તથા સંતોષ માટે અડગ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. AMFI મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે પારદર્શક અને સંતોષકારક માહોલ આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.“

રોજબરોજની ફરિયાદો સામાન્ય રીતે ડિવિડન્ડ પેઆઉટ ન મળવા, એકાઉન્ટ સ્ટેટમેન્ટ ખોવાઈ જવા, કમિશનમાં વિલંબ અને જૂના રેકોર્ડ્સ જેવા મુદ્દાઓ અંગેની હોય છે. બીજી તરફ ગંભીર ફરિયાદોમાં એપ્લિકેશન ફોર્મમાં છેડછાડ, અનૈતિક માર્કેટિંગ પ્રેક્ટિસ, ફંડની ગેરરીતિઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા સેવામાં ગંભીર ક્ષતિઓ જેવી ગંભીર સમસ્યાઓનો સમાવેશ થાય છે.

આ સમસ્યાઓને ઉકેલવાની બાબતે સામાન્ય ફરિયાદોને સીધી જે-તે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ કે ડિસ્ટ્રીબ્યુટર્સને AMFI તરફથી માર્ગદર્શન સાથે સમાધાન માટે તરત જ મોકલી આપવામાં આવે છે. જોકે ગંભીર જણાતા કિસ્સામાં જે-તે સમયમર્યાદામાં સ્પષ્ટતાઓ માંગવામાં આવે છે. આના પગલે ફરિયાદને AMFIની એઆરએન કમિટિ સુધી મોકલવામાં આવે છે જે મૂલ્યાંકન કરે છે અને કમિશન સસ્પેન્શનથી માંડીને એઆરએન લાઇસન્સને સંભવિતપણે રદ કરવા સુધીના જરૂરી પગલાં અંગે સલાહ આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)