ભારતમાં 820 મિલિયન અને ગુજરાતમાં 5.18 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે
આજે ઓછા વિકસિત દેશોમાં પણ અંદાજિત 407 મિલિયન લોકોથી વધુ લોકો કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ | ITUના રિપોર્ટ અનુસાર 720 મિલિયન લોકો હજું પણ ઓફલાઈન છે. તે વૈશ્વિક ઓફલાઈન વસ્તીના 27% જ હિસ્સો ધરાવે છે અને ઓફલાઈન લોકો વિશ્વની વસ્તીના માત્ર 14% જ વસ્તી ધરાવે છે. |
ખાસ લેખઃ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ – 2024ના લેખકઃ મિતેષ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ છે.
અમદાવાદ, 16 મેઃ ITUના રિપોર્ટ અનુસાર છેલ્લાં બે વર્ષોમાં ઓછા વિકસિત દેશોમાં પણ અંદાજિત 407 મિલિયન લોકોથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, જે વૈશ્વિક સ્તરે 66%થી વધુની સરખામણીએ વસ્તીના લગભગ 36% જેટલો હિસ્સો ધરાવે છે. જ્યારે ભારતમાં 820 મિલિયન કરતાં વધુ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને ગુજરાતની વાત કરીએ તો 5.18 કરોડથી વધુ લોકો ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે. જે દૂરસંચાર અને માહિતી સમાજ ક્ષેત્રે વૈશ્વિક વિકાસ દર્શાવતી બાબત કહી શકાય. ITUના રિપોર્ટ અનુસાર 720 મિલિયન લોકો હજું પણ ઓફલાઈન છે. તે વૈશ્વિક ઓફલાઈન વસ્તીના 27% જ હિસ્સો ધરાવે છે અને ઓફલાઈન લોકો વિશ્વની વસ્તીના માત્ર 14% જ વસ્તી ધરાવે છે.
ભારતમાં 1882માં કલકત્તામાં ટેલિફોન એક્સચેન્જની સ્થાપના થઇ ત્યારે 93 ગ્રાહકો મળ્યા હતા
દેશમાં સંચાર અને તકનીકના વેગની વાત કરીએ તો ભારત દેશમાં વર્ષ 1882માં કલકત્તામાં ટેલિફોન એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ તેને સેન્ટ્રલ એક્સચેન્જ નામ આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 93 ગ્રાહકો મળ્યા હતા અને આજે દેશમાં 100 કરોડથી વધુ ફોનધારકો છે, જેની આવક 2 લાખ કરોડથી વધુ છે. જે આપણા દેશમાં સંચાર અને તકનીકના ક્ષેત્રમાં બહુમૂલ્ય વિકાસ કહી શકાય. એ જ રીતે ટેલિવિઝન, રેડિયો, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો આપણા દેશમાં અને વિશ્વમાં જે રીતે વિકાસ થયો છે, દેશમાં દૂરસંચાર અને તકનીકને લઈને નીતિઓનું ઘડતર કરી વિકાસ થયો છે તે પરથી કહી શકાય કે આપણો દેશ વિશ્વના દેશો સાથે દરેક ક્ષેત્રમાં કદમથી કદમ મળાવીને વિકાસને વેગ આપી રહ્યો છે. આ તમામ બાબતો દર્શાવે છે કે આજે ટેલિવિઝન, કમ્પ્યૂટર, મોબાઈલ અને ઈન્ટરનેટ વગેરેનો વિકાસ થવાથી વિશ્વના લોકો વચ્ચેનું અંતર ઘટ્યું છે.
દર વર્ષે 17મી મેના રોજ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વમાં સામાજિક આર્થિક વિભાજન અને ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે દૂરસંચાર ટેકનોલોજી દ્વારા મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશોને માહિતી અને સંચાર તકનીક ઉપલબ્ધ કરાવી વિશ્વમાં સાર્વત્રિક કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા લોકોની જોડીને આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે.
17 મે 1865ના રોજ ઇન્ટરનેશનલ ટેલિકમ્યૂનિકેશન યુનિયન (ITU)ની સ્થાપના થઈ હતી, તેમજ પેરિસ ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ કોન્ફરન્સ યોજાઇ હતી. જેથી ITUની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે વર્ષ 1969માં 17મી મે ના રોજ સૌ પ્રથમ વખત આ દિવસ ઊજવવામાં આવ્યો હતો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા નવેમ્બર 2005માં સૂચના સમાજ પર વિશ્વ શિખર સંમેલનમાં 17 મેના રોજ વિશ્વ માહિતી સમાજ દિવસ ઊજવવાની જાહેરાત કરવામાં આવી અને તેના બીજા વર્ષે એટલે કે નવેમ્બર 2006માં તુર્કીના એન્ટાલિયામાં આયોજિત સંમેલનમાં ITU દ્વારા વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ એમ બંનેને એક સાથે ઊજવવાની શરૂઆત કરાઈ. ITU વિશે વધુ વાત કરીએ તો, તે યુનાઇટેડ નેશન્સ (UN)ની સંલગ્ન સંસ્થા અને યુએનની સૌથી જૂની એજન્સી છે, તે માહિતી અને સંચાર તકનીકો (ICT) સંબંધિત બાબતો માટે જવાબદાર છે. કમ્યૂનિકેશન અને ટેકનોલોજી આપણી આસપાસની દુનિયાને કેવી રીતે આકાર આપે છે તે દર્શાવતી સંસ્થા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)