Mutual Fund: ઈક્વિટી સ્કીમ્સ, SIPમાં રોકાણ 9 માસની ટોચે
અમદાવાદ, 10 માર્ચઃ શેરબજારોની વોલેટિલિટી વચ્ચે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધારી રહ્યા છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરી દરમિયાન રૂ. 15685 કરોડના રોકાણ નોંધાયું હતું. જે છેલ્લા નવ માસની ટોચ દર્શાવે છે. જાન્યુઆરીમાં રૂ. 12546 કરોડ અને ડિસેમ્બર,2022માં રૂ. 7303 કરોડનું રોકાણ ઈક્વિટી સ્કીમ્સમાં નોંધાયું હતું. ઈક્વિટી સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ છેલ્લા 24 મહિનાથી સતત વધી રહ્યુ હોવાનું Amfi (Association of Mutual Funds in India)એ જણાવ્યું હતું. ઈક્વિટી ફંડ્સમાં મજબૂત રોકાણોના પગલે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નેટ રૂ. 9575 કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો હતો. ઈક્વિટી સ્કીમ્સમાં રૂ. 15685 કરોડનો નેટ ફ્લો મે, 2022માં રૂ. 18529 કરોડ બાદની ટોચે પહોંચ્યો હતો. ઇક્વિટી ફંડ્સમાં ચોખ્ખો પ્રવાહ દર મહિને 25% વધીને 12,546 કરોડથી 15,685 કરોડ થયો હતો.
એસઆઈપી રોકાણ સતત પાંચમા મહિને 13 હજાર કરોડથી વધુઃ એસઆઈપી (Systematic Investment Plan) સતત પાંચમા મહિને રૂ. 13 હજાર કરોડની સપાટી વટાવી છે. ફેબ્રુઆરીમાં રૂ. 13686.23 કરોડનું રોકાણ એસઆઈપી મારફતે નોંધાયું હતું. જો કે, જાન્યુઆરીની તુલનાએ તેમાં રૂ. 169 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો.
ડેટ ફંડ્સમાં વેચવાલીનો દોર જારીઃ ડેટ ફંડ્સમાં વેચવાલીનો દોર સતત જારી રહ્યો છે. ડેટ ફંડ્સમાંથી ફેબ્રુઆરીમાં રૂ. 13815 કરોડનું રોકાણ પાછું ખેંચાયુ હતું. જાન્યુઆરીમાં રૂ. 10316 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. લિક્વિડ ફંડ્સમાંથી સૌથી વધુ રૂ. 11304 કરોડ, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ્સમાંથી રૂ. 2430 કરોડ અને લો ડ્યુરેશન ફંડ્સમાંથી રૂ. 1904 કરોડનું રોકાણ પાછું ખેંચાયુ હતું.