SSIUના બે વર્ષથી કાર્યરત સ્ટાર્ટઅપે માટી કે પાણીનો ઉપયોગ કર્યા વગર ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાનું કેસર ઉગાડ્યું

અમદાવાદ, 11 નવેમ્બર: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે ઇન્ક્યુબેટ થયેલાં ગાંધીનગર સ્થિત સ્ટાર્ટઅપે એરોપોનિક્સની મદદથી એક નવતર પ્રયોગ કરીને ગુજરાતમાં કેસરની ખેતી કરવાની એક નવી પદ્ધતિ સફળતાપૂર્વક વિકસાવી છે.

ઉલ્લેખનીય છે કે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારતની પ્રથમ યુનિવર્સિટી છે, જે સ્ટાર્ટઅપ્સનું સંવર્ધન કરવા અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. સામાન્ય રીતે ઠંડી આબોહવામાં ઉગતા અને ભારતના કાશ્મીરમાં જોવા મળતાં કેસરને અહીં સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યું છે.

સાહિલ નિનામા અને મયંક ડાભી દ્વારા ડિસેમ્બર 2021માં એરોપોનિક્સ સેફ્રન ફાર્મિંગ નામના સ્ટાર્ટઅપની સ્થાપના કરવામાં આવી હતી. તેને આ વર્ષની શરૂઆતમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે ઇન્ક્યુબેટ કરવામાં આવ્યું હતું.

રસપ્રદ વાત તો એ છે કે, આ નવી પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવેલા કેસરની ગુણવત્તા જરાયે ખરાબ થઈ નથી.’ સેફ્રાનલ, ક્રોસિન અને પ્રોક્રોસિન જેવા કન્ટેન્ટની ચકાસણી કરવા કેસરના આ પાકને પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે પણ મોકલી આપવામાં આવ્યો છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને કેસરની 100 કિગ્રા ગાંઠમાંથી 500-600 ગ્રામ કેસરની ઊપજ મેળવી શક્યાં હોવાનો તેમણે દાવો કર્યો છે.

ફર્મ સહ-સ્થાપક સાહિલ નિનામાફર્મ સહ-સ્થાપક મયંક ડાભીયુનિ. વાઇસ પ્રેસિ. આદિ જૈન
નિનામાએ જણાવ્યું કે, ભારતમાં કેસરની ખેતી જમ્મુ-કાશ્મીરમાં વર્ષમાં એક જ વખત થાય છે. જોકે, અમે એરોપોનિક્સ નામની પદ્ધતિનો ઉપયોગ કરીને અમારી યુનિવર્સિટીના કેમ્પસમાં જ 10X10 ફૂટના વિસ્તારમાં તેને સફળતાપૂર્વક ઉગાડ્યું છે. કેસરની ખેતીની પદ્ધતિની વિશેષતા છે કે, વર્ષમાં ચાર વખત તેનો પાક લઈ શકાય છે. આથી વિશેષ, અમે કેસરની ઉત્પાદનપ્રક્રિયાને પણ સુધારી છે.ડાભીએ જણાવ્યું કે, ‘આગળ જતાં અમે ગુજરાતમાં ખરાબાની, વણવપરાયેલી જમીનમાં કેસરની ખેતી કરવાનું વિચારીએ છીએ. એરોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેમાં માટી કે પાણીનો ઉપયોગ નથી. કૃત્રિમ વાતાવરણની રચના કરવામાં આવે છે. અમે રૂ. 3 લાખના રોકાણમાં કેસરની ખેતી કરી શક્યાં છીએ.જૈને જણાવ્યું કે, સ્વર્ણિમ ખાતે ઉદ્દેશ્ય વિચારોનું સંવર્ધન કરવાનો તથા સામાજિક-આર્થિક સમસ્યાને ઉકેલવામાં મદદરૂપ થનારા પ્રોટોટાઇપ્સ અને નવીનીકરણમાં વિકસાવવાનો છે. કેસરની ખેતીમાં આવેલું આ નવીનીકરણ ભારતના સ્વદેશી પાકોને વૈશ્વિક સ્તરે લઈ જવામાં અને ખેડૂતોને સારી કમાણી કરવામાં મદદરૂપ થઈ શકે તેમ છે.

એસએસઆઇયુનું વિઝન શિક્ષણ, સંશોધન અને નવીનીકરણ મારફતે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા તેમના સર્જનાત્મક દિમાગનો ઉપયોગ કરવા તેમને મદદરૂપ થવાનો તથા ઉન્નત સમાજનું નિર્માણ કરવા માટે નવીનીકરણને વિકસાવવા, પ્રોત્સાહન આપવા અને ઉપયોગ કરવા તેમને સક્ષમ બનાવવાનો છે. અત્યાર સુધીમાં આ સ્ટાર્ટઅપને રૂ. 1.46 લાખનું ફન્ડિંગ પ્રાપ્ત થયું છે, જેમાં રાજ્ય સરકાર અને યુનિવર્સિટીએ કેસરની ખેતી કરવા સંયુક્તપણે યોગદાન આપ્યું છે. આ સ્ટાર્ટઅપનો ઉદ્દેશ્ય કેસરનું ઉત્પાદન વિસ્તારવાનો તથા માર્કેટમાં રીટેઇલમાં વેચવાનો છે.