ઓલટાઈમ હાઈ

એનર્જી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન, પાવર, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સ્મોલકેપ, મીડકેપ

52 વીક હાઈ

ઓટો, રિયાલ્ટી, યુટિલિટી, મેટલ

અમદાવાદ, 1 ડિસેમ્બરઃ દેશનો ઈકોનોમી ગ્રોથ અપેક્ષા કરતાં મજબૂત નોંધાતા તેમજ ફુગાવામાં અંકુશ સાથે કોર સેક્ટરમાં સ્થિર ગ્રોથને પગલે આજે શેરબજારમાં તેજીનો જુવાળ જોવા મળ્યો હતો. નિફ્ટી50એ 20285ની સર્વોચ્ચ ટોચ નોંધાવી ડિસેમ્બરમાં તેજીની શરૂઆત કરી છે. આ સાથે સ્મોલકેપ-મીડકેપ સાથે 10 સેક્ટોરલ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે. જ્યારે ઓટો, મેટલ, રિયાલ્ટી, યુટિલિટી ઈન્ડેક્સ વર્ષની ટોચ નોંધાવી છે.

નિફ્ટી આજે 20285.15ની ઐતિહાસિક નવી ટોચે પહોંચ્યા બાદ 1 વાગ્યે 141.35 પોઈન્ટના ઉછાળા સાથે 20274.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ફેસ્ટિવ સિઝનમાં ઓટોના વેચાણમાં ડબલ ડિજિટ ગ્રોથ, મેટલ અને રિયાલ્ટી શેરોમાં તેજીના પગલે ઈન્ડેક્સ 52 વીક હાઈ થયો હતો.

નવેમ્બરમાં નિફ્ટી 6 ટકા વધ્યો

નવેમ્બરમાં નિફ્ટી 50 તેજી સાથે 6 ટકા સુધી વધ્યો છે. 1 નવેમ્બરે 19064.05ના સ્તરે ખૂલ્યા બાદ 5.61 ટકા ઉછળી 30 નવેમ્બરે 20133.15 પર બંધ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં નિફ્ટીમાં 7.49 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેજી પાછળનું કારણ પોઝિટીવ આંકડાઓ અને ત્રિમાસિક પરિણામો હતા. નાણાકીય વર્ષના Q2માં GDP ગ્રોથ 7.6% સાથે અપેક્ષાઓ કરતાં વધ્યો છે. ખાસ કરીને, 13.9% વૃદ્ધિ મેન્યુફેક્ચરિંગ અને બાંધકામમાં 13.3% વૃદ્ધિ પ્રભાવશાળી આંકડાઓ છે. જે FY24 જીડીપી ગ્રોથ 6.8%થી ઉપર લઈ જવાની ક્ષમતા ધરાવે છે, અને RBIના 6.5%ના અંદાજ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. બીજું, એક્ઝિટ પોલના પરિણામો રાજકીય સ્થિરતાની ઉચ્ચ સંભાવના દર્શાવે છે.

જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો. વીકે વિજયકુમારે જણાવ્યુ હતું કે, મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શને સારો દેખાવ કર્યો હોવાથી, બુલ્સ કેપિટલ ગુડ્સ શેરો જેવા કે L&T અને બાંધકામ સંબંધિત શેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિમેન્ટના શેરો નવેસરથી ખરીદીમાં રસ આકર્ષી શકે છે. ઓટો સારી કામગીરી સાથે સુધારાનું વલણ જારી રાખશે. જે નિફ્ટીને વધુ નવી રેકોર્ડ ટોચે પહોંચાડવામાં મદદરૂપ બનશે.

Aster DM, Torrent Powerના શેરોમાં કમાણી

એસ્ટર ડીએમ, અને ટોરેન્ટ પાવરના શેર છેલ્લા કેટલાક દિવસથી તેજીથી આગળ વધી રહ્યા છે. એસ્ટર ડીએમનો શેર આજે પણ 8 ટકાથી વધુ ઉછાળા સાથે 424ની સર્વોચ્ચ વાર્ષિક ટોચે પહોંચ્યો છે. જે હાલ 6.52 ટકા ઉછાળા સાથે ટોપ ગેનર છે. ટોરેન્ટ પાવરનો શેર પણ 29 નવેમ્બરે 19 ટકાથી વધુ ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જો કે, હાલ કરેક્શન જોવા મળ્યું છે. Dixon Technologiesનો શેર 8.78 ટકા ઉછાળા સાથે 5992.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 6034.75ની 52 વીક હાઈ ક્રોસ થયો હતો.