મુંબઈ, 8 માર્ચ:આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન શ્રીમતી નીતા એમ અંબાણીએ શરીરની સકારાત્મકતાની ઉજવણી કરવા અને કદ, ઉંમર, રંગ, ધર્મ, ન્યુરોડાઇવર્સિટી અથવા શારીરિકતાને ધ્યાનમાં લીધા વિના બધાની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા ધ હર સર્કલ, એવરીબોડી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અભિયાનનો હેતુ અનુકંપા અને પૂર્વગ્રહરહિત સ્વીકૃતિનું એક આખું વર્તુળ તૈયાર કરવાનો છે. શ્રીમતી અંબાણી દ્વારા વર્ષ 2021માં મહિલાઓ માટે સુરક્ષિત, સર્વસમાવેશક, વિકાસલક્ષી ડિજિટલ વિશ્વ તૈયાર કરવા માટે હર સર્કલની સ્થાપના કરવામાં આવી હતી. તેની બીજી વર્ષગાંઠ નિમિત્તે પ્લેટફોર્મ 310 મિલિયનની અસાધારણ પહોંચ સાથે મહિલાઓ માટે ભારતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ બની ગયું છે. સર્વસમાવેશકતાના મુખ્ય ઉદ્દેશ્યને આગળ ધપાવતા શ્રીમતી અંબાણીએ દરેક વ્યક્તિને આગળ આવવા, આ પહેલનો ભાગ બનવા અને કંઈક અલગ કરવા માટે આમંત્રણ આપ્યું છે.

હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે શ્રીમતી નીતા એમ અંબાણીએ જણાવ્યું કે, હર સર્કલ સખીપણાંની અંગે હોવાની સાથે-સાથે તે એકતા વિશે પણ છે. એકતા એવી કે જે સમાનતા, સમાવેશ અને બધા માટે આદર પર આધારિત હોય. અને તે અમારા નવા પ્રોજેક્ટનો મુખ્ય ભાગ છે – હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટ. સોશિયલ મીડિયા પર જે પ્રકારનું ટ્રોલિંગ થાય છે તે આપણે બધાએ જોયું છે. લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે જાણ્યા વિના જ લોકો મંતવ્યો આપે છે. અહીં અનેક તબીબી સમસ્યાઓ છે, અહીં અનેક આનુવંશિક પરિબળો છે જેમાંથી લોકો પસાર થઈ શકે છે. અને તેમ છતાં તેઓ ટ્રોલિંગ અને અપમાનનો ભોગ બને છે. તે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે, ખાસ કરીને યુવા મન માટે. હું આશા રાખું છું કે અમારી પહેલ આને કોઈ રીતે સંબોધિત કરી શકે અને લોકોને તેઓ જે છે તે બનવાનો વિશ્વાસ અને સ્વતંત્રતા આપશે.