યુએસમાં રેટ કટ પૂર્વે ઊંચા મથાળે પ્રોફીટ બુકીંગ, નિફ્ટી 52 વીકની નવી ઊંચાઇએ
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ બુધવારે બજારમાં બેંકીંગ-ફાઇનાન્સનું પ્રભુત્વ જોવા મળ્યુ તેની સામે છેલ્લા થોડા દિવસોથી લાઇમ લાઇટમાં આવેલા આઇટી શેરોમાં અંડરટોન ઢીલો હતો. બેન્ક નિફ્ટી 561.75 પોઇન્ટ્સ, 1.08% વધી 52750.40 અને નિફ્ટી ફાયનાન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સ 335.35 પોઇન્ટ્સ,1.40% સુધરી 24326.90 બંધ રહ્યા હતા. તેથી વિપરિત નિફ્ટી મિડકેપ સિલેક્ટ 150.50 પોઇન્ટ્સ,1.13% ઘટી 13132.85, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 324.05 પોઇન્ટ્સ, 0.43%ના લોસે 74936.15 અને નિફ્ટી 41 પોઇન્ટ્સ, 0.16% ઘટી 25377.55 થઇ ગયા હતા. અમેરિકામાં 18મીએ આપણી રાત હોય ત્યારે રેટ કટની જાહેરાત ફેડરલ રિઝર્વ કરે તેની વિશ્વના તમામ બજારો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા રહ્યા હતા. ધારણા મુજબ 50 બેસીસ પોઇન્ટ વ્યાજ કપાત છે, અમુક વર્ગ તો હવે 60 બેસીસ પોઇન્ટ રેટ કટ આવશે એવી વાત ચલાવી રહ્યો હતો.
બજાજ હાઉસીંગ ફાઇનાન્સ ઘટ્યો સામે બજાજ ફાઇનાન્સ અને ફિનસર્વ સુધર્યા
લીસ્ટીંગના 3જા દિવસે બજાજ હાઇસીંગ ફાઇનાન્સમાં પીછેહટ જોવાઇ હતી. મંગળવારે રૂ. 181.50ના સ્તરે બંધ રહેલો આ શેર બુધવારે 181 ખુલી શરૂઆતના અડધા કલાકમાં જ રૂ. 188.50ના નવા હાઇ સુધી ગટા પછી પ્રોફીટ બુકીંગના દબાણે ઘટીને રૂ. 171.10 થઇ છેવટે 4.58% ગુમાવી દૈનિક રૂ. 8.31 ઘટી 173.19 થઇ ગયો હતો. 2625 લાખ શેરોના સોદામાં રૂ. 4685.09 કરોડનું કામકાજ થયું તેમાં 28.44% ડિલીવરીના ધોરણે કામ થયા હતા. એનએસઇના વેબસાઇટની માહિતી અનુસાર આ કંપનીનું ફ્રી ફ્લોટ માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 144235.17 કરોડ અને ફ્રી ફ્લોટ માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 11538.81 કરોડ હતુ. બીએસઇના વેબસાઇટ પરની માહિતી મુજબ પ્રમોટરો અને પ્રમોટર ગ્રુપનું શેર હોલ્ડીંગ 88.75% અને પબ્લીકનું 11.25% હતુ. આ કારણસર ફ્રી ફ્લો માર્કેટ કેપીટલાઇઝેશન એટલું ઓછુ દેખાય છે. 88.75% નું હોલ્ડીંગ ભવિષ્યમાં કંપનીએ સેબીના નિયમો મુજબ 75%થી નીચે લાવવું પડશે.
એનએસઇના 77માંથી 60 ઇન્ડેક્સ ઘટીને બંધ
સેન્સેક્સે 83326.38નો નવો ઐતિહાસિક હાઇ સોમવારના 83184.34ના હાઇથી ઉપર જઇને બનાવ્યો હતો. સેન્સેક્સના 11 શેર વધ્યા અને 19 ઘટ્યા હતા. ટોપ ગેઇનર બજાજ ફાઇનાન્સ રૂ. 268.50, 3.65% સુધરી 7632.25 બંધ રહ્યો હતો. તે જ રીતે બજાજ જૂથની બીજી ફાઇનાન્સ કંપની બજાજ ફિનસર્વનો ભાવ રૂ. 39 વધી 2.11% સુધરી 1887.50ના સ્તરે વિરમ્યો હતો. બેથી એક ટકાના પ્રમાણમાં સુધારો નોંધાવનાર અન્ય સેન્સેક્સ ગેઇનર્સમાં નેસ્લે રૂ. 2586.80, આઇસીઆઇસીઆઇ બેન્ક રૂ. 1288.05, એચડીએફસી બેન્ક રૂ. 1694.35, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા રૂ. 792.35 અને લાર્સન એન્ડ ટૂબ્રો રૂ. 3729.65નો સમાવેશ થતો હતો. સામે પક્ષે આઇટી હેવી વેઇટ્સમાં બુધવારે નફો અંકે કરવાની વૃત્તિએ સેન્સેક્સના ટીસીએસમાં 3.49%, એચસીએલ ટેકમાં 3.15% અને ઇન્ફોસીસમાં 3.09% ના ગાબડાં પડતા ભાવ અનુક્રમે રૂ. 4346.60, રૂ. 1755.65 અને રૂ. 1892.35 બંધ રહ્યા હતા. ટેક મહીન્દ્ર પણ 2.79% તૂટી રૂ. 1605.35 રહ્યો હતો. સેન્સેક્સના સનફાર્મા 1.79%ના લોસે રૂ. 1832.50, દોઢ ટકો ઘટી ટાટા સ્ટીલ રૂ. દોઢ સો, ટાટા મોટર્સ અને ટાઇટન સવા-સવા ટકાના નુક્શાને અનુક્રમે રૂ. 962.40 અને 3723.65 તો એશીયન પેઇન્ટ્સ 1.16% ડાઉન થઇ રૂ. 3274 ના સ્તરે બંધ રહ્યા હતા. નિફ્ટી બુધવારે નવા ઐતિહાસિક હાઇને સ્પર્શ્યો તેની સાથે સાથે તેનાં પ્રતિનિધિ શેરોમાંથી શ્રીરામ ફાઇનાન્સ રૂ. 3589.75, આઇસીઆઇસીઆઇ બેન્ક રૂ. 1295.35, હિરોમોટો કોર્પ રૂ. 6145.95, ભારતી એરટેલ રૂ. 1670.95 અને બજાજ ઓટો રૂ. 12054ની નવી ઊંચાઇએ જઇ આવ્યા હતા. નિફ્ટી 25418.55ના મંગળવારના બંધ સામે 25402.40 ખુલી બપોરે એક સુધી ધીમે ધીમે સુધરી 25482.20નો નવો ઐતિહાસિક હાઇ કરી શક્યો હતો. જોકે તે પછી આવેલા પ્રોફીટ બુકીંગના દબાણે ઘટીને 25285.55 થઇ સેશનના અંતે 25377.55 બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં ઉલ્લેખ કરેલા ગેઇનર્સ ઉપરાંત નિફટીનો શ્રીરામ ફાઇનાન્સ 4.22 ટકા વધી ટોપ ગેઇનર રહ્યો હતો. ભાવ રૂ. 3569 બંધ રહ્યો હતો. નિફ્ટીનો વિપ્રો અઢી ટકા ઘટી રૂ. 537.7 બંધ રહ્યો હતો. એનએસઇના 77માંથી 60 ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. તેમાં સૌથી મોટો ઘસરકો આઇટી ઇન્ડેક્સને 3.05 ટકાનો પડ્યો હતો. 1325 ગબડીને આ આંક 9559.35ના લેવલે આવી ગયો હતો. એના તમામ દસ શેરો ઘટીને બંધ રહ્યા હતા. 10માંથી 6 પ્રતિનિધિ શેરોમાં 3% થી વધુ અને 3 શેરોમાં 2થી 3 ટકાનો ઘટાડો જોવાયો તેમાં એમ્ફસીસ તો 5.63% તૂટીને 2999 પર આવી ગયો હતો. તદુપરાંત નિફ્ટી ઇન્ડીયા ડિજિટલમાં 1.82%, 25 ટકા કેપ સાથેની ટાટા ગ્રુપ ઇન્ડેક્સમાં 1.79%, નિફ્ટી ફાર્મામાં 1.53%, નિફ્ટી હેલ્થકેરમાં 1.31% અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 1.02%નો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50માંથી 33, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 40, નિફ્ટી બેન્કના 12માંથી 3, નિફ્ટી ફાઇનાન્સના 20માંથી 6 અને મિડકેપ સિલેક્ટના 25માંથી 21 જ શેરો ડિક્લાઇનીંગની યાદીમાં હતા. સેન્સેક્સના 30માંથી 18 અને બેન્કેક્સના 10માંથી 4 શેરો ઘટ્યા હતા.
એનએસઇઃ 96 શેર્સ સુધર્યા સામે 1840 શેર્સ ઘટ્યા
એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2869 ટ્રેડેડ શેરોમાંથી 962વધ્યાં, 1840 ઘટ્યાં અને 67 સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 131 શેરોએ અને નવા લો 39 શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 102 તો નીચલી સર્કીટે 81 શેરો ગયા હતા.
અનીલ અંબાણી જૂથની બે કંપનીઓએ દેવું ઘટાડ્યુઃ શેરો ઉપલી સર્કીટે
આદિત્ય બિરલા કેપીટલ(એબીસીએલ)ને આદિત્ય બિરલા ફાઇનાન્સને પેરંટ કંપનીમાં અમાલ્ગમેશન માટે આરબીઆઇએ નો ઓબ્જેક્શન લેટર આપ્યો છે. આ અમાલ્ગમેશન થયા પછી એબીસીએલને એનબીએફસીનું સ્ટેટસ મળશે, કેમ કે એના સંયુક્ત એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 5 લાખ કરોડથી વધુ થશે. માર્ચ 2024માં એબીસીએલની બોર્ડે આ મર્જરને મંજૂરી આપી હતી. એબીસીએલ રૂ. 226.40 બંધ હતો.
એસ.ડી.રિટેલનો એસએમઇ આઇપીઓ
રૂ. 124થી 131ના ભાવે 1000ના લોટમાં ઓછામાં ઓછી 1000 શેરની અરજી અને એચએનઆઇ કેટેગરીમાં મિનિમમ બે લોટની અરજી માટે 20મીથી ખુલશે. રૂ. એક લાખ પ્લસની અરજીની રકમ અને એસએમઇ વિભાગના શેરોમાં અફરાતફરીને ધ્યાનમાં રાખીને પૂરતો અભ્યાસ કરી સેબી રજીસ્ટર્ડ સલાહકારની સલાહ લઇને જ અરજી કરવાનું યોગ્ય ગણાશે.
બીએસઇ લીસ્ટેડ જીઇટીએન્ડડી (રૂ. 1705) ના પ્રમોટરો 11.7% સ્ટેક, ઓવર સબસ્ક્રીપ્શનના કેસમાં વધુ 3.9% સાથે રૂ. 1400ના ભાવે ઓફર ફોર સેલમાં શેરો વેચશે. રિટેલ રોકાણકારો માટે ઓફર 20મીએ ખુલશે.
ગાર્ડન રીચ શીપ બિલ્ડીંગને 540 લાખ ડૉલરનો જર્મન ઓર્ડર મળ્યો તો પણ ભાવ સવા ટકો ઘટી રૂ. 1705 બંધ હતો.
અનીલ અંબાણી જૂથની કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટક્ચરે રૂ. 7220 કરોડનું દેવું ઓછુ કર્યાના સમાચારે રિલાયન્સ પાવર 5%ની ઉપલી સર્કીટે અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટક્ચર 20%ની ઉપલી સર્કીટે અનુક્રમે રૂ. 32.97 અને 282.73ના સ્તરે બંધ રહ્યા હતા.
સંસ્થાકીય નેટ લેવાલી વેચવાલી
એફઆઇઆઇની રૂ. 1153.69 કરોડની નેટ લેવાલી અને ડીઆઇઆઇની પણ રૂ.152.31 કરોડની નેટ લેવાલી રહેતાં એકંદરે રૂ. 1306 કરોડની નેટ લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી. બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 467.73 લાખ કરોડ થયુ હતુ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)