અમદાવાદ, 29 જાન્યુઆરીઃ દેશની ટોચની નેચરલ ગેસ કંપની ગેઈલ ઈન્ડિયાએ ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 3193.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 397.5 કરોડ સામે 703 ટકા વધ્યો છે. જો કે, કંપનીની આવક 3.3 ટકા ઘટી રૂ. 34767.8 કરોડ થઈ છે. ગતવર્ષે 35940 કરોડ હતી.

મજબૂત પરિણામો અને માર્કેટની તેજી વચ્ચે આજે ગેઈલનો શેર 174.65ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. અંતે 3.81 ટકા ઉછાળા સાથે 171.70 પર બંધ રહ્યો હતો.

શેરદીઠ રૂ. 5.50 ડિવિડન્ડ

કંપની બોર્ડે ચાલુ નાણાકીય વર્ષ માટે શેરદીઠ રૂ. 5.50ના ભાવે વચગાળાનું ડિવિડન્ડ આપવા મંજૂરી આપી છે. વચાગાળાના ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 6 ફેબ્રુઆરી, 2024 નિર્ધારિત કરવામાં આવી છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 30 ટકા અને આવકો 5 ટકા વધી હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ માસમાં GAILએ તેના ચોખ્ખા નફામાં 50%નો ઉછાળો નોંધાવ્યો હતો જે એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન નોંધાયેલા ₹4,953 કરોડથી વધીને ₹7,428.5 કરોડ થયો હતો. આ સમય દરમિયાન કંપનીની આવક ગતવર્ષે ₹1,12,611 કરોડ સામે 10% ઘટી ₹1,00,666 કરોડ થઈ હતી.

ગેઇલ-વિટોલ એલએનજી સપ્લાય સોદો

GAIL (India) Ltd એ Vitol Asia Pte Ltd સાથે લાંબા ગાળાના સોદામાં પ્રવેશ કર્યાના અઠવાડિયા પછી હકારાત્મક પરિણામો આપ્યા છે, જેમાં ભારતમાં આશરે 1 મિલિયન મેટ્રિક ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ની વાર્ષિક જોગવાઈ માટે લાંબી પ્રતિબદ્ધતા પ્રાપ્ત થઈ છે. કરાર હેઠળ વિટોલ તેના ગ્લોબલ પોર્ટફોલિયોમાંથી ગેઈલને એલએનજી ટ્રાન્સપોર્ટ કરશે. આ સોદો 2026થી દસ વર્ષ માટે માન્ય ગણાશે.

ગેઇલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ગેઇલ દ્વારા વિટોલ સાથેનો આ લાંબા ગાળાનો LNG સોદો તેના વિશાળ લિક્વિફાઇડ નેચરલ ગેસ પોર્ટફોલિયોમાં વધારો કરશે અને ભારતની નેચરલ ગેસની માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત દૂર કરવામાં યોગદાન આપશે.”