અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ સપ્ટેમ્બર-23ના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક દરમિયાન કુલ આવકો 1.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 255996 કરોડ (રૂ. 252846 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો 29.7 ટકા વધી રૂ. 19878 કરોડ (રૂ.15332 કરોડ નોંધાવ્યો છે.

પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું કેઃ “તમામ બિઝનેસ સેગમેન્ટ્સમાંથી મજબૂત ઓપરેશનલ અને નાણાકીય યોગદાન થકી રિલાયન્સને મજબૂત વૃદ્ધિનો વધુ એક ક્વાર્ટર આપવામાં મદદ મળી.

મને એ વાતનો આનંદ છે કે, બે નવતર અને પરિવર્તનકારી ઓફરિંગ્સ, જિયોએરફાઈબર અને જિયોભારતના લોન્ચિંગ દ્વારા ડિજિટલ ઈન્ડિયાના વિઝન પ્રત્યે જિયો વચનબદ્ધ છે. અમારા અત્યાધુનિક સ્ટેન્ડઅલોન 5જી નેટવર્કના આધારે, જિયોએરફાઈબર ભારતભરમાં કરોડો લોકોને હાઈ-સ્પીડ કનેક્ટિવિટી સુધી પહોંચ અને તેના લાભો નોંધપાત્ર રીતે પૂરા પાડી રહ્યું છે. જિયોભારત ફોન કરોડો ભારતીયો માટે ડિજિટલ સમાવેશીકરણને લાગુ કરશે અને નેક્સ્ટ-જેન કનેક્ટિવિટી સોલ્યુશન્સમાં ભારતના સંક્રાંતિકાળનું ચાલકબળ બનશે. ડિસેમ્બર 2023 સુધીમાં, અમે સમગ્ર ભારતમાં 5જી સર્વિસને પહોંચાડી દઈશું અને એક વિશાળ રાષ્ટ્રમાં 5જી નેટવર્કને સૌથી ઝડપી ગતિએ શરૂ કરવાનો એક નવો વૈશ્વિક સીમાચિહ્ન સર કરીશું.

રિલાયન્સ રિટેલે પોતાની ઓફલાઈન તેમજ ઓનલાઈન ઉપસ્થિતિને ઝડપથી વિસ્તારવાનું અને તેની સાથે પોતાની પ્રોડક્ટ્સ અને ઓફરિંગ્સની હાલની પ્રભાવશાળી રેન્જમાં ઉમેરો કરવાનું જારી રાખ્યું છે. આપણી સીમલેસ ઈકોસિસ્ટમમાં અમે ફ્રેશ અને ફ્રેન્ડલી શોપિંગની અનુભૂતિ પૂરી પાડી રહ્યા છીએ. અમારા રિટેલ બિઝનેસ મોડેલની તાકાત અને વિવિધતા જ સતત તીવ્રતમ પ્રદર્શન દર્શાવી રહ્યા છે.

પૂરવઠાની અછત ધરાવતા બજારમાં ઈંધણની માગમાં મજબૂત વૃદ્ધિના નેતૃત્ત્વમાં ઊર્જા બજારની વોલેટિલિટી વચ્ચે પણ O2C સેગમેન્ટે પ્રભાવશાળી પ્રદર્શન નોંધાવ્યું હતું. નબળી વૈશ્વિક માગ અને પૂરવઠા પર વધુ પડતા અવલંબનને લીધે ડાઉનસ્ટ્રીમ માર્જિન્સને અસર થઈ હતી. ઓઈલ એન્ડ ગેસ બિઝનેસની વૃદ્ધિ ખરેખર નોંધપાત્ર છે જેના માટે KGD6 બ્લોકમાં ઉત્પાદનમાં વૃદ્ધિ તેમજ ભારતીય અર્થતંત્રમાં ઊર્જાની તબદિલીએ મૂલ્યવાન ઈંધણ પૂરું પાડ્યું છે.”