અમદાવાદ સ્થિત ઇન્ફિબીમે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1293 કરોડની ગ્રોસ રેવન્યુ નોંધાવી છે. જે અગાઉના નાણા વર્ષમાં રૂ. 676 કરોડ સામે 91 ટકા વધી છે. વાર્ષિક ચોખ્ખો નફો 19 ટકા વધી 84 કરોડ (રૂ. 70 કરોડ) થયો છે. ત્રિમાસિક ધોરણે ચોખ્ખી આવકો 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 76 કરોડ (રૂ. 66 કરોડ), જ્યારે ચોખ્ખો નફો 11 ટકા ઘટી રૂ. 28 કરોડ (રૂ. 32 કરોડ) નોંધાયો હતો. નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ કુલ 1:1 બોનસ અને શેરદીઠ 5 ટકા ડિવિડન્ડ આપ્યુ છે.

એશિયન પેઇન્ટનો નફો નોમિનલ વધ્યો

માર્ચ-22ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક માટે એશિયન પેઇન્ટનો નફો 0.5 ટકા વધી રૂ. 874 કરોડ થયો છે. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળામાં રૂ. 869.9 કરોડ હતો. આવકો જોકે, 18.7 ટકા વધી રૂ. 7893 કરોડ (રૂ. 6651.4 કરોડ) થઇ છે. એબિટડા 1318.3 કરોડ રૂપિયાથી વધીને 1443 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સના એબિટડા માર્જિન 19.8% થી ઘટીને 18.3% રહ્યા છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીના ડેકોરેટિવ કારોબારના વૉલ્યૂમ ગ્રોથ 8 ટકા પર રહ્યા છે.

સેન્ટ્રલ બેન્ક ખોટમાંથી નફામાં, આ‌વકો વધી 6420 કરોડ થઈ

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ માર્ચ ત્રિમાસિકમાં રૂ. 310 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગતવર્ષે બેન્કે રૂ. 1349 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. કુલ આવકો વધી રૂ. 6419.58 કરોડ (રૂ. 5729.38 કરોડ) થઈ છે. વાર્ષિક ધોરણે પણ બેન્કે અગાઉના નાણાકીય વર્ષમાં 888 કરોડની ચોખ્ખી ખોટ સામે 2021-22માં રૂ. 1045 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કુલ આવકો વધી રૂ. 25770.13 કરોડ (રૂ. 25845.90 કરોડ) રહી છે. નેટ એનપીએ ઘટી 3.97 ટકા (5.77 ટકા) થઈ છે. બેન્કનો કુલ બિઝનેસ ગ્રોથ 5.03 ટકા વધ્યો છે.

જીએનએફસીનો નફો બમણો થયો, શેરદીઠ રૂ. 10 ડિવિડન્ડ

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.નો માર્ચ ત્રિમાસિક ચોખ્ખો નફો બમણાથી વધી રૂ. 643.26 કરોડ (રૂ. 308.91 કરોડ) થયો છે. કુલ આ‌વકો પણ 50 ટકાથી વધી રૂ. 2832.35 કરોડ (રૂ. 1782.21 કરોડ) થવા સાથે શેરદીઠ કમાણી વધી રૂ. 41.38 નોંધાઈ છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 10 ડિવિડન્ડ જાહેર કર્યુ છે. બીએસઈ ખાતે શેર 5.19 ટકા ઘટી 757.20 પર બંધ રહ્યો હતો.

યુપીએલના નફામાં 29 ટકા વૃદ્ધિ

એગ્રો કેમિકલ્સ યુપીએલનો ચોખ્ખો નફો 29 ટકા વધી રૂ. 1379 કરોડ (રૂ. 1065 કરોડ) અને આવકો 24 ટકા વધી રૂ. 15860 કરોડ (રૂ. 12797 કરોડ) થઈ છે.

નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સની આવક 84 ટકા વધી

નોલેજ મરીન એન્ડ એન્જીનિયરીંગ વર્ક્સ કંપનીની 2021-22માં કુલ આવક 83.6 ટકા વધી રૂ. 61.6 કરોડ થઈ છે. કુલ નફો રૂ. 17.4 કરોડ સામે વધી રૂ.38.8 કરોડ, ગ્રોસ માર્જિન 1,000 Bpsથી વધીને 62.9%, EBITDA રૂ.13.3 કરોડ સામે વધી રૂ. 32.9 કરોડ થઈ છે.

માધવબાગનો PAT 785 ટકા વધ્યો

માધવબાગનો ચોખ્ખો નફો 785 ટકા વધી રૂ. 3.46 કરોડ થયો છે. સારવાર કેન્દ્રો ડબલ ડિજિટમાં વધ્યા છે. જે અગાઉના વર્ષે 39 લાખ હતો. કુલ આવક 43 ટકા વધી રૂ. 75.04 કરોડ થઈ છે.