રોહા ડાઈકેમે વડોદરાની ફૂડ પ્રોસેસીંગ કંપની સરાફ ફૂડ્ઝ હસ્તગત કરી
વડોદરાઃ ફૂડ કલર અને ઈન્ગ્રેડીયન્ટસ ઉદ્યોગમાં રોહા ડાઈકેમે, ફ્રીઝ-ડ્રાઈંગ સ્પેશ્યાલિસ્ટ ફૂડ પ્રોસેસીંગ કંપની અને અમેરિકા, યુરોપ તથા લેટીન અમેરિકાના વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર હાજરી ધરાવતી વડોદરાની સરાફ ફૂડઝ લિમિટેડ હસ્તગત કરી છે.
ફ્રીઝ ડ્રાઈંગ કંપની તરીકે શરૂઆત કરનાર સરાફ ફૂડ્ઝે ઈન્ડિવિડ્યુલ ક્વિક ફ્રીઝીંગ (IQF) ક્ષેત્રે બેકવર્ડ ઈન્ટીગ્રેશન કરીને તથા એર ડ્રાઈંગ ક્ષેત્રે વિવિધિકરણ કરીને પોતાની બ્રાન્ડ વેક્યુમ ફ્રીઝ-ડ્રાઈડ સ્નેક્સ (HALO) રજૂ કરી હતી. રોહા ડાયકેમે, સરાફ ફૂડઝનું 100 ટકા હસ્તાંતરણ કરતાં ફર્સ્ટ જનરેશન ટેકનોક્રેટ આંત્રપ્રિનિયોર સુરેશ સરાફ અને તેમનો પરિવાર આ ઉદ્યોગમાંથી બહાર નિકળી ગયા છે.
સરાફ ફૂડઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર સુરેશ સરાફ જણાવે છે કે અમે વર્ષ 1993માં સરાફ ફૂડઝની સ્થાપના કરીને ફ્રીઝ ડ્રાઈંગના વણખેડ્યા ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.
22 દેશમાં હાજરી ધરાવતી રોહા ડાયકેમના મેનેજીંગ ડિરેક્ટર મહેશ ટીબરેવાલા જણાવે છે કે આ હસ્તાંતરણની સાથે અમે ભારતમાં ઉત્પાદન કરીશું અને અમારા ગ્રાહકોનો સમુદાય વિસ્તારી શકીશું. અમે સરાફ ફૂડઝની ટીમ સાથે કામ કરીને વૃધ્ધિ દ્વારા તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે આશાવાદી છીએ.
સિંગાપુરના પ્રાઈવેટ ઈક્વિટી ફંડ ડીએસજી કન્ઝ્યુમર પાર્ટનર્સ, ડેનીશ એગ્રી-બિઝનેસ ફંડ આઈએફયુ અને યુકે સ્થિત પેડોરીયા ગ્રુપ સરાફ ફૂડઝના રોકાણકારો છે. આ રોકાણકારો પણ સરાફ ફૂડઝ અને પરિવાર સાથે કંપનીમાંથી બહાર નીકળી જશે.
આ સોદામાં એમજીબી એડવાઈઝર્સે સલાહકાર તરીકેની ભૂમિકા બજાવી છે. વેચાણ કરનાર તથા ખરીદનારના લીગલ એડવાઈઝર તરીકેની કામગીરી જેએસએ અને પરીનામ લૉ એ બજાવી છે.
મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી રોહા ડાઈકેમની ગણના ફૂડ કલર અને ઈન્ગ્રેડીયન્ટસ ઉદ્યોગની સૌથી મોટી કંપનીઓમાં થાય છે કે જે એફએમસીજી, ફાર્મા, ફૂડઝ એન્ડ બેવરેજીસ તથા ઈન્ડસ્ટ્રિયલ કલર્સ ઉદ્યોગને સર્વિસ આપી રહી છે.