મુંબઇ, 3 એપ્રિલઃ પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડના ભૂતપૂર્વ અધિકારી સંજય ચમરિયાએ સેટલમેન્ટ ચાર્જ પેટે રૂ।. 42.2 લાખની ચુકવણી કરીને કથિત પ્રપંચયુક્ત વ્યાપાર પદ્ધતિના સંબંધિત કેસની બજાર નિયમનકારી સંસ્થા સેબી સાથે પતાવટ કરી છે. બીએસઈ સાથેના તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચમરિયા પીએફએલમાં 1.39 ટકા હિસ્સો ધરાવતા હતા. અગાઉ મેગ્મા ફિનકોર્પ તરીકે ઓળખાતી કંપની પીએફએલની સ્થાપના ચમરિયા પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2021માં પૂનાવાલા પરિવારે મેગ્મા ફિનકોર્પમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો.

સેબીએ તેની કારણ દર્શક નોટિસમાં આરોપ મૂક્યો હતો કે ચમરિયાએ એનએસઈને અધૂરી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી પૂરી પાડી હતી અને સપ્ટેમ્બર 2021માં વચગાળાનો આદેશ પસાર કરતી વખતે નિયમનકારી સંસ્થાએ તે માહિતી પર વિશ્વાસ મૂક્યો હતો અને તેથી તે સિક્યોરિટીઝ બજારોમાં પ્રપંચયુક્ત, છેતરપિંડી અને અયોગ્ય વેપાર પ્રથામાં સામેલ હતી. તે પીએફયુટીપી (પ્રોહિબિશન ઓફ ફ્રોડ્યુલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ) રેગ્યુલેશનની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું હતું.

પીએફએલની સ્ક્રીપમાં જાન્યુઆરી 2021 થી ફેબ્રુઆરી 2021ના સમયગાળા દરમિયાન કેટલીક કંપનીઓ દ્વારા ઈન્સાઈડર ટ્રેડિંગ નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે સેબીએ વિગતવાર તપાસ હાથ ધરી હતી.