અમદાવાદ, 3 એપ્રિલઃ અમૂલના નેજા હેઠળ દૂધ અને ડેરી પ્રોડક્ટસનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે તા.31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ 2022-23માં રૂ.55,055 કરોડનું પ્રોવિઝનલ ટર્નઓવર નોંધાવ્યું છે. GCMMFની 18.5%ની ટર્નઓવર વૃધ્ધિ મહદ્દ અંશે બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટની માંગમાં વધારાના કારણે જોવા મળી છે. ફ્રેશ પ્રોડક્ટ કેટેગરીએ  21%ના દરે વૃધ્ધિ નોંધાવીને GCMMFના ટર્નઓવરમાં 50%નું યોગદાન આપ્યું છે અને આઈસ્ક્રીમ રેન્જ 41%ના દરે વૃધ્ધિ પામી છે. કન્ઝ્યુમર પ્રોડક્ટ કેટેગરીએ  વાર્ષિક ધોરણે 23%નો વૃધ્ધિ દર નોંધાવ્યો છે, જેમાં ચીઝ, બટર, યુએચટી મિલ્ક, મિલ્ક બેવરેજીસ, પનીર, ક્રીમ, છાશ અને દહીંમાં 20 થી 40%નો વૃધ્ધિ દર જોવા મળ્યો છે. અમૂલ ગ્રુપના સભ્ય સંઘોનું પ્રોવિઝનલ અનડુપ્લિકેટેડ ગ્રુપ ટર્નઓવર રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર) નો આંક વટાવી ગયું છે.

18 સભ્ય સંઘોનું બનેલું GCMMF ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂત સભ્યો પાસેથી દૈનિક સરેરાશ 270 લાખ લીટર દૂધ એકત્ર કરે છે. ભારતના ટોચના મહાનગરોની દૂધ અને દૂધની પેદાશોની માંગ સંતોષવા માટે GCMMFના સભ્ય સંઘોએ 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે.

જીસીએમએમએફે પૂનામાં તેની પ્રથમ ઈન્ટરનેશનલ આઈસ્ક્રીમ લોન્જ રજૂ કરી છે કે જ્યાં 13 વિશિષ્ટ ફ્લેવરનો સ્વાદ માણી શકાય છે. દરેક ફ્લેવર પોતાના મૂળ દેશનું પ્રતિનિધિત્વ કરે છે.

ઝડપી વિસ્તરણનો મંત્ર GCMMFને સ્પષ્ટપણે સમૃધ્ધ ડિવિડંડ આપી રહ્યો છે તેવો ઉલ્લેખ કરતાં GCMMFના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે GCMMF વર્ષ 2025 સુધીમાં રૂ.1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું આયોજન ધરાવે છે. આગામી 7 વર્ષમાં 20%થી વધુ એકંદર વાર્ષિક વૃધ્ધિ દર હાંસલ કરવાનું ધ્યેય ધરાવે છે.

GCMMF દૂધ ઉત્પાદકોને ગ્રાહકોના રૂપિયાનો 80 થી 85% હિસ્સો સુપ્રત કરે છે અને તે રીતે વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહન પૂરૂં પાડે છે.