SBIનો ત્રિમાસિક Q3 નફો 69 ટકા વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે, આવકો 24 ટકા વધી
નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નો 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 68.5 ટકા વધી રૂ. 14,205.34 કરોડ નોંધાયો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક ચોખ્ખો નફો છે. રૂ. 13500 કરોડના અંદાજ કરતાં વધ્યો છે. ગત વર્ષે બેન્કે રૂ. 8431.9 કરોડનો નફો નોંધાવ્યો હતો. SBIની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) 24 ટકા વધી રૂ. 38,068.62 કરોડ નોંધાઈ છે. મજબૂત લોન બુક વિસ્તરણ સાથે એનઆઈઆઈ ગ્રોથ વધ્યો હતો. જો કે, પ્રોવિઝન્સ 17 ટકા વધી 5760 કરોડ થઈ છે. બેડ લોન્સમાં 49 ટકાનો ઘટાડો નોંધાયો છે.
નેટ એનપીએ ઘટી 0.77 ટકા નોંધાઇ
SBIની એસેટ ક્વોલિટી ડિસેમ્બર ક્વાર્ટરમાં નોંધપાત્ર સુધરી હતી. ગ્રોસ એનપીએ રેશિયો એક વર્ષ અગાઉના 4.50 ટકાથી ઘટીને 3.14 ટકા થયો હતો. ચોખ્ખા ધોરણે કુલ લોન બુકમાં બેડ લોનનો હિસ્સો એક વર્ષ અગાઉ 1.34 ટકાથી ઘટીને 0.77 ટકા થયો છે. લોન બુકનો સ્ટ્રેસ મોટાભાગે એગ્રીકલ્ચરનો છે જેનો ગ્રોસ બેડ લોન રેશિયો 12.03 ટકા હતો. લગભગ 4 ટકા કોર્પોરેટ લોન નોન-પર્ફોર્મિંગ હતી અને રિટેલ લોનનો એનપીએ રેશિયો 3.24 ટકા હતો.
લોન ગ્રોથની તુલનાએ ડિપોઝીટ ગ્રોથ મંદ
SBIનો ક્રેડિટ ગ્રોથ 9.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 42.13 કરોડની સરખામણીએ થાપણ વૃદ્ધિ ઘણી ધીમી હતી. ઓછી કિંમતની ચાલુ અને બચત ખાતાની ડિપોઝીટનો હિસ્સો ઘટ્યો હતો. જેની પાછળનું કારણ ટર્મ ડિપોઝિટમાં રોકાણમાં 11.38 ટકા વધારો હતો.