નવી દિલ્હી
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ક્રેડિટ રેટિંગ એજન્સી Brickwork Ratings સામે કડક પગલાં લીધા છે. સેબીના આદેશ પછી Brickwork Ratings હવે નવા ક્લાયન્ટ બનાવી શકશે નહીં. એટલું જ નહીં, માર્કેટ રેગ્યુલેટરે રેટિંગ એજન્સીને છ મહિનામાં બિઝનેસ સમેટી લેવાનો નિર્દેશ આપ્યો છે. કોઈપણ ક્રેડિટ રેટિંગ એજન્સી સામે માર્કેટ રેગ્યુલેટર દ્વારા લેવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી આકરી કાર્યવાહી છે.
આ કારણોસર લાયસન્સ રદ થયું
સેબીના આદેશમાં Brickwork દ્વારા કરવામાં આવેલા અનેક ઉલ્લંઘનોની યાદી છે. તેમાં મેનેજમેન્ટ સાથેની મીટિંગ્સના દસ્તાવેજીકરણમાં નિષ્ફળતા, કંપનીઓ દ્વારા આપવામાં આવેલા નાણાકીય અંદાજોના સ્વતંત્ર વિશ્લેષણનો અભાવ, ફ્લેગિંગ ડિફોલ્ટ્સમાં વિલંબ અને હિતોના સંઘર્ષ જેવી બાબતોનો સમાવેશ થાય છે.


સેબી અને ભારતીય રિઝર્વ બેન્કે (RBI) જાન્યુઆરી 2020માં ક્રેડિટ રેટિંગ એજન્સીનું સંયુક્ત ઓડિટ હાથ ધર્યું હતું. આ પછી વહીવટી ચેતવણી આપવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. આ પછી, રેગ્યુલેટરે જૂન 2021 માં રેટિંગ એજન્સીને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. ત્યારબાદ Brickworkસે કર્ણાટક હાઈકોર્ટમાં જઈને નિયમનકારને Brickworkસનું રજીસ્ટ્રેશન રદ ન કરવા જણાવ્યું હતું.


સેબીએ સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી દાખલ કરી હતી. 16 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. આ પછી રેટિંગ એજન્સી સામે રેગ્યુલેટરી એક્શનનો માર્ગ મોકળો બન્યો હતો.


વેલસ્પન, આઈડીએફસી ફર્સ્ટ, અદાણી રેલ, કોફી ડે એન્ટરપ્રાઈઝ, મેગ્મા ફિનકોર્પ, એસ્સેલ ગ્રૂપ સહિતના અનેક ઈશ્યુઅર્સે તેમના રેટિંગમાં સતત ક્ષતિઓ જણાતા સેબીએ આ કાર્યવાહી કરી છે. આ તમામ કેસોમાં નિયમનકારે કાં તો વહીવટી ચેતવણી જારી કરી હતી અથવા તો તપાસનો આદેશ આપ્યો હતો.