સેન્સેક્સ ડિસેમ્બર-2025 સુધીમાં 1,25,000ની સપાટી ક્રોસ કરે તેવો પ્રબળ આશાવાદઃ યસ સિક્યુરિટીઝ
અમર અંબાણી, હેડ, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ, યસ સિક્યુરિટીઝ સાથે ખાસ મુલાકાત

- બેન્કિંગ- ફાઇનાન્સ, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, આઇટી સ્મોલ- મિડકેપ્સ તેમજ પેઇન્ટ સેક્ટર્સનું રંગીન ભાવિ
- એસેટ મેનેજમેન્ટ, રિયલ એસ્ટેટ, બિલ્ડિંગ મટિરિયલ્સ, સિમેન્ટ અને ઓટો એન્સિલરી નવાં સેક્ટર્સ રહેશે
- 2022માં ભારતમાં મંદીની શક્યતા નથી, ગિગ ઇકોનોમિમાં જંગી વૃદ્ધિ સાથે 8 કરોડ રોજગારીની તક
- ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમત 90-110 ડોલરની રેન્જમાં અને રૂપિયો 80-85ની રેન્જથી સુધરવાની શક્યતા
- એફઆઇઆઇ અને એફપીઆઇ સહિતના રોકાણકારોની વેચવાલી ઘટવા સાથે ખરીદીમાં વધારો નોંધાયો
ભારતીય ઇકોનોમિ માટે 2022માં પણ મંદીની કોઇ શક્યતા નહિં હોવાની આગાહી કરવા સાથે યસ સિક્યુરિટિઝે સેન્સેક્સ 2025ના ડિસેમ્બર અંત સુધીમાં 125000 પોઇન્ટની સપાટીએ આંબવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. હાલમાં માર્કેટ વોલેટિલિટી અને ફુગાવાની સ્થિતિ છતાં માર્કેટ્સ પર્યાપ્ત તરલતાના કારણે નવી ઊંચાઇઓ સર કરશે જેમાં ઇક્વિટી માર્કેટ કેન્દ્ર સ્થાને રહેશે તેવો આશાવાદ એક ખાસ મુલાકાતમાં યસ સિક્યુરિટીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી હેડ અમર અંબાણીએ વ્યક્ત કર્યો છે.
આગામી 4 વર્ષમાં ઘરેલું વપરાશ 46 ટકા વધવા સાથે ઘરેલું બચત જીડીપીના 19 ટકાના સ્તરે રહેવા સાથે ખર્ચ કરાતી વધારાની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિનો સંકેત આપે છે. વિશ્વના ટોચના 10 અર્થતંત્રોમાં સ્થાન ધરાવતાં ભારતમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારે ગિગ ઇકોનોમિમાં પણ જબરજસ્ત ઉછાળાની શક્યતા છે. આગામી દાયકામાં 8 કરોડથી પણ વધુ રોજગારીનું સર્જન થવા સાથે જીડીપીમાં યોગદાન 10 ટકા રહેવાની શક્યતા છે. કોવિડ-19, યુક્રેન- રશિયા, ક્રૂડ, કરન્સી વોરઝોનમાંથી ઇક્વિટી બજારો ઊભરી રહ્યા છે. તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને businessgujarat.in અને અમર અંબાણી વચ્ચે થયેલી પ્રશ્નોત્તરીનો સાર નીચે મુજબ છે.
પ્રશ્નઃ વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય ઇકોનોમિ અને શેરબજારોનું ભાવિ કેવું જણાય છે.?
અમર અંબાણીઃ કોવિડ-19, યુક્રેન- રશિયા વોર, કરન્સી વોર, ક્રૂડની કિંમતમાં જંગી ઉછાળો, વૈશ્વિક બેન્કો દ્રારા વ્યાજદરમાં વધારો જેવી પડકારજનક ઘટનાઓને ઇકોનોમિ તેમજ માર્કેટ હવે 9-10 ટકાના કરેક્શન પછી ડિસ્કાઉન્ટ કરીને તેજીના નવા તબક્કા માટે સજ્જ છે. વચ્ચે વચ્ચે કરેક્શન આવી શકે છે. પરંતુ તે જૂન-22ના બોટમ જેટલાં હેવી હોવાની શક્યતા ઓછી છે.
પ્રશ્નઃ એફપીઆઇ- એફઆઇઆઇના વલણ અંગે શું માનો છો?
અમર અંબાણીઃ વૈશ્વિક અર્થતંત્રો સ્લોડાઉનનો સામનો કરી રહ્યા છે. પરંતુ તેને મંદી ગણાવી શકાય નહિં, ભૂતકાળમાં પણ સબપ્રાઇમ, 2008-00, 2013-14 તેમજ 2019-20ના વર્ષોમાં આવાં કરેક્શન શેરબજારોએ નોંધાવ્યા હતા. પરંતુ ત્યારબાદ જોવા મળેલાં ઉછાળાઓ તે કરેક્શન કરતાં ઘણાં વધુ હતા. લોકોની કમાણી વધી છે તેથી તેમની ખર્ચ શક્તિ વધવાથી તેઓ ફુગાવાને પણ સરળતાથી સામનો કરી શકશે. રહી વાત એફપીઆઇ- એફઆઇઆઇના ભારતમાં ઇન્વેસ્ટમેન્ટની તો એવું કહી શકાય કે, બોન્ડ યિલ્ડમાં વૃદ્ધિ ધીરે ધીરે ટોપઆઉટ થઇ રહી છે. યિલ્ડ 3.6 ટકાથી ઊપર જવાની શક્યતા ઓછી છે. આપણે ત્યાં પણ આરબીઆઇ રેપો રેટ વધારે છતાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ ઓછાં હોવાથી આપણે પ્લસની પોઝિશનમાં જ છીએ. તે ઉપરાંત મોટાભાગના ફેક્ટર્સ ડિસ્કાઉન્ટ થઇ રહ્યા હોવાથી તેઓની ખરીદી હવે ધીરે ધીરે વધવા સાથે માર્કેટ કોન્સોલિડેશન ઝોનમાંથી સુધારાના ઝોનમાં પ્રવેશવાની શક્યતા પૂરેપૂરી છે.
પ્રશ્નઃ ચાલુ કેલેન્ડર વર્ષ તેમજ આગામી 3 વર્ષમાં સેન્સેક્સની સ્થિતિ કેવી રહી શકે?
અમર અંબાણીઃ સેન્સેક્સ આ વર્ષમાં જ ડિસેમ્બર અંત સુધીમાં તેના હિસ્ટોરીક હાઇને ક્રોસ કરશે, નિફ્ટી 18500 થઇ શકે છે. માર્કેટ વોરઝોનમાંથી બહાર આવી ચૂક્યા છે. વર્ષ 2021માં જ્યારે નિફ્ટી 18000 પોઇન્ટને પાર થવાનો અંદાજ વ્યક્ત કર્યો ત્યારે તે લાંબાગાળાની કલ્પના જેવું લાગતું હતું. પરંતુ હવે તે વાસ્તવિકતા છે. ડિસેમ્બર-22 સુધીમાં નિફ્ટી 19000- 20000 પોઇન્ટનો પણ સ્પર્શી શકે તેવી શક્યતાને નકારી શકાય નહિં, જોકે, સમયગાળો જેટલો ટૂંકો, અંદાજ તેટલો જ વધુ અનિશ્ચિત હોય છે. હું વિશ્વાસથી કહી શકું કે આગામી ચાર વર્ષનું આઉટલૂક ખૂબજ સકારાત્મક છે. હકીકતમાં મારા મતે ડિસેમ્બર-2025 સુધીમાં સેન્સેક્સ 125000ના સ્તરને સ્પર્શે, જેમાં અસંગઠિત ક્ષેત્રોમાંથી સંગઠિત ક્ષેત્રો તરફ વ્યવસાયોનો બદલાવ, ડિજિટલ સુપર સાઇકલમાં વૃદ્ધિ, મહામારી વખતે સમજદારી પૂર્વક કોસ્ટ મેનેજમેન્ટથી ટકાઉ માર્જિન વગેરે જેવાં પરીબળો અનુકૂળ માહોલની રચના કરે છે. આ વર્ષ કરતાં પણ નાણાકીય વર્ષ 2024માં બજારો વધુ સારું વળતર આપી શકે તેવો આશાવાદ છે.
પ્રશ્નઃ તમારી નજરે આગામી સમયમાં કયા કયા સેક્ટર્સ અને શેર્સ ઉપર રોકાણકારોએ ધ્યાન રાખવું જોઇએ
અમર અંબાણીઃ વિવિધ સેક્ટર્સ વિશે લંબાણથી વાત કરવાના બદલે શોર્ટમાં વિવિધ સેક્ટર્સ અને સંબંધિત શેર્સ વિશે કહી શકાય કે,
- બેન્કિંગ સેક્ટરમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, ફેડરલ બેન્ક અને એસબીઆઇ
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પીએનસી ઇન્ફ્રા અને પીએસપી પ્રોજેક્ટ
- રિયલ એસ્ટેટ સેક્ટરમાં મહિન્દ્રા લાઇફ, પ્રેસ્ટીજ એસ્ટેટ
- બિલ્ડિંગ મટિરિયલ સેક્ટરમાં એસ્ટ્રલ એપોલો પાઇપ્સ
- ઇવી ઓટોમાં સોના બીએલડબલ્યૂ, જેબીએમ ઓટો
ધ્યાનમાં રાખી શકાય. પરંતુ રોકાણકારોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે, માર્કેટમાં એકધારી તેજી કે એકધારી મંદીની ચાલ ક્યારેય શક્ય નથી. માટે મિડિયમથી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવવા સાથે યોગ્ય નિષ્ણાતની સલાહ, પુરતો અભ્યાસ અને અનુભવના આધારે જ સ્ટ્રેટેજી ગોઠવવાની રહેશે. કારણકે આગામી સમયમાં ધારોકે યુક્રેન- રશિયા જેવી સ્થિતિ ચીન- તાઇવાન વચ્ચે સર્જાય તો માર્કેટમાં કરેક્શન નકારી શકાય નહિં.
યસ સિક્યુરિટીઝે 3 માસમાં 80 હજાર એકાઉન્ટ્સ ખોલ્યા
યસ સિક્યુરિટીઝ ઝડપી વિસ્તરણ યોજનાના ભાગરૂપે દેશભરમાં નેટવર્ક વધારી રહી છે. છેલ્લા 3 માસમાં 80 હજાર નવા એકાઉન્ટ્સ ખોલ્યા છે. યસ બેન્ક કુલ 250 કરોડનું રોકાણ યસ સિક્યુરિટીઝમાં કરવાની યોજના ધરાવે છે તે પૈકી અત્યારસુધીમાં 100 કરોડનું રોકાણ કરીચૂકી છે.
સેન્સેક્સની વર્ષ અનુસાર વોલેટિલિટીની સ્થિતિ એક નજરે
Year | Open | High | Low | Close |
2007 | 13,827.77 | 20,498.11 | 12,316.10 | 20,286.99 |
2008 | 20,325.27 | 21,206.77 | 7,697.39 | 9,647.31 |
2009 | 9,720.55 | 17,530.94 | 8,047.17 | 17,464.81 |
2010 | 17,473.45 | 21,108.64 | 15,651.99 | 20,509.09 |
2011 | 20,621.61 | 20,664.80 | 15,135.86 | 15,454.92 |
2012 | 15,534.67 | 19,612.18 | 15,358.02 | 19,426.71 |
2013 | 19,513.45 | 21,483.74 | 17,448.71 | 21,170.68 |
2014 | 21,222.19 | 28,822.37 | 19,963.12 | 27,499.42 |
2015 | 27,485.77 | 30,024.74 | 24,833.54 | 26,117.54 |
2016 | 26,101.50 | 29,077.28 | 22,494.61 | 26,626.46 |
2017 | 26,711.15 | 34,137.97 | 26,447.06 | 34,056.83 |
2018 | 34,059.99 | 38,989.65 | 32,483.84 | 36,068.33 |
2019 | 36,161.80 | 41,809.96 | 35,287.16 | 41,253.74 |
2020 | 41,349.36 | 47,896.97 | 25,638.90 | 47,751.33 |
2021 | 47,785.28 | 62,245.43 | 46,160.46 | 58,253.82 |
2022* | 58,310.09 | 61,475.15 | 56,009.07 | 57,570.25 |
(*સેન્સેક્સની ચાલુ કેલેન્ડર વર્ષની તા. 29 જુલાઇ સુધીની સ્થિતિ અનુસારની વધઘટ દર્શાવે છે)