અમદાવાદ: કોમર્શિયલ વાહનોની સૌથી મોટી ફાઈનાન્સર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ અને ટુ વ્હિલર-એમએસએમઈ ફાઈનાન્સર શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સને શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાં મર્જ કરવામાં આવી છે. આ મર્જર સાથે જ શ્રીરામ ફાઇનાન્સ રૂ. 40,900 કરોડની મજબૂત નેટવર્થ અને રૂ. 1,71,000 કરોડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) સાથે ટોચની એનબીએફસીમાં સામેલ થશે. સમગ્ર ભારતમાં 67 લાખથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. કંપનીના ગ્રોથની વ્યૂહરચના સ્વ-રોજગાર અને MSME અર્થતંત્રને વેગ આપવા પર કેન્દ્રિત હશે.

શ્રીરામ ગ્રુપ સાથે લાંબા સમયથી જોડાયેલા ઉમેશ રેવાંકર મર્જ થયેલી એન્ટિટીના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન પદે કાર્યરત રહેશે. મર્જર અંગે તેમણે જણાવ્યુ હતું કે, “શ્રીરામ મર્જર દ્વારા બેલેન્સ શીટ મજબૂત થવાથી, અમે બજારની જરૂરિયાતોને પહેલાં કરતા વધુ સારી રીતે પૂરી કરી શકીશું. ગ્રાહક-કેન્દ્રિત કંપની તરીકે, અમે વધુ ઉત્પાદનો લાવી શકીએ છીએ અને તેમને ઝડપથી ક્રેડિટ મેળવવામાં મદદ કરી શકીએ છીએ. અમે કાર્યક્ષમતા અને ગ્રાહક સેવાના સ્તરને સુધારવા માટે ટેક્નોલોજીમાં મોટાપાયે રોકાણ કર્યું છે. ડબલ ડિજિટ ગ્રોથ થવાની અપેક્ષા છે.

શ્રીરામ ફાઇનાન્સના એમડી અને સીઇઓ વાયએસ ચક્રવર્તીએ કહ્યું હતું કે, ભારતના વિકાસને ધ્યાનમાં રાખતાં આ મર્જર માટેનો યોગ્ય સમય છે. અમે એમએસએમઈમાં ધિરાણની મજબૂત માંગ જોઈ રહ્યા છીએ. અમે અમારા 3600+ સ્થાનો સાથે હંમેશા બજારની નજીક છીએ. અમારા તમામ બિઝનેસ સેગમેન્ટ્સ- ફાઇનાન્સિંગ કોમર્શિયલ વ્હીકલ, MSME, પર્સનલ લોન, ગોલ્ડ લોન અથવા વ્હીકલ લોન ગ્રોથ માટે તૈયાર છીએ. કંપનીએ તેની ગ્રોથ વ્યૂહરચના પણ જાહેર કરીઃ સ્વ-રોજગાર અને એમએસએમઈ ઈકોનોમીને વેગ આપવાની સાથે ભાવિ ગ્રોથ સાથે આગળ વધવા માટે પાંચ માળખાકીય સ્તંભો તૈયાર કર્યા છે.