• એચડીએફસી બેન્કનો શેર 7 ટકા તૂટ્યો, BSE Sensex પેકની 25 સ્ક્રિપ્સ તૂટી
  • કોચિન શીપયાર્ડ 12 ટકાથી વધુ ઉછળ્યો, એલઆઈસી ટોચની લિસ્ટેડ સરકારી કંપની બની

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ સેન્સેક્સ અને નિફ્ટી 50માં આજે કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સમાં 1390 પોઈન્ટના કડાકામાં એચડીએફસી બેન્કનો 70 ટકા અર્થાત 779 પોઈન્ટનો ફાળો રહ્યો છે. નિફ્ટી50 આજે 400 પોઈન્ટ તૂટ્યો હતો. જે 12.54 વાગ્યે 384 પોઈન્ટ તૂટી 21648.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જિઓ પોલિટિકલ ક્રાઈસિસ તેમજ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબ થવાના નિવેદન, ચીનનો નબળો જીડીપી, એચડીએફસી બેન્કના અપેક્ષા કરતાં નબળા પરિણામો સહિતના પરિબળોની અસર શેરબજાર પર જોવા મળી છે.

સેન્સેક્સ પેકના 5 સ્ટોક્સ સિવાય 25 સ્ટોક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. દેશની ટોચની ખાનગી બેન્ક એચડીએફસીમાં 7 ટકા સુધીના ઘટાડાના કારણે બીએસઈ બેન્કેક્સ 3.43 ટકા તૂટ્યો હતો. ફાઈનાન્સિયલ સર્વિસિઝ 3.11 ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ 1.42 ટકા, મેટલ ઈન્ડેક્સ 2.11 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

યુએસ ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે ચેતવણી આપી હતી કે નાણાકીય નીતિમાં ધારણા કરતાં ધીમી ગતિ આવી શકે છે તે પછી રેટ-કટની અપેક્ષાઓ હળવી થવાથી સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો હતો. ચીનનો ડિસેમ્બર જીડીપી ગ્રોથ નબળો રહ્યો છે. ઈરાને પાકિસ્તાનમાં સુન્ની આંતકી સંગઠન પર હુમલો કર્યો છે. ઈરાને અમેરિકાને પણ ઈઝરાયલની સાથે સંબંધો ન રાખવા પણ ચેતવણી આપી છે. જેનાથી વૈશ્વિક સ્તરે રાજકીય તણાવ વધ્યો છે.

સરકારી કંપનીઓના આ શેરોમાં આકર્ષક તેજી, LICની માર્કેટ કેપ એસબીઆઈ કરતાં વધી

માર્કેટના ખરાબ માહોલ વચ્ચે સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી હતી. કોચિન શીપયાર્ડ 12 ટકાથી વધુ ઉછાળે 887.85ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. મિધાની 6.73 ટકા, આરવીએનએલ 4.07 ટકા, આઈઆરએફસી 3.70 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. એસજેવીએન પણ 1.54 ટકા ઉછાળે આજે ફરી 100નું લેવલ ક્રોસ કર્યું હતું. LICના શેર આજે નવી વાર્ષિક 919.45ની ટોચે પહોંચ્યો હતો. એલઆઈસીની માર્કેટ કેપ આજે 5.67 લાખ કરોડ નોંધાવા સાથે ટોચની લિસ્ટેડ પીએસયુ બની હતી. એસબીઆઈ ટોચની લિસ્ટેડ પીએસયુ હતી. જેની આજે માર્કેટ કેપ રૂ. 5.59 લાખ કરોડ સામે એલઆઈસીની માર્કેટ કેપ 8 હજાર કરોડ વધી છે.

બ્રોકરેજના નજરે શેરબજાર

આજના બજારના ઘટાડાનું નેતૃત્વ HDFC બેન્કના પરિણામો પાછળ કરવામાં આવે છે, જે આરબીઆઈના કમ્ફર્ટ લેવલની બહાર ક્રેડિટ/ડિપોઝીટ (CD) રેશિયોનો ઊંચા સ્તર દર્શાવે છે. મોટાભાગની અન્ય બેન્કોની પણ આ જ સ્થિતિ છે. આમ, બજારો ક્યાં તો માર્જિન દબાણની અપેક્ષા રાખે છે, જો બેન્કો આક્રમક ડિપોઝિટ મોબિલાઇઝેશન, ધિરાણ વૃદ્ધિમાં મંદી જોવા મળે તો  આ ગ્રોથ સેક્ટરના કેટલાક ડી-રેટિંગ તરફ દોરી શકે છે.

જેતરમાં જોયેલા નોંધપાત્ર ઉછાળા પછી, બજારો કરેક્શન મોડમાં છે, ખાસ કરીને બજારના મૂલ્યાંકન ઐતિહાસિક ગુણાંક કરતા વધારે છે. નજીકના ગાળામાં, અમે મજબૂત આર્થિક વૃદ્ધિને કારણે ભારતીય બજારો પર મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણના આધારે અમે બજારોમાં મોટાપાયે વોલેટિલિટીની અપેક્ષા રાખીએ છીએ.

નવીન કુલકર્ણી, ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર, Axis Securities PMS