ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરઃ તેજીની ઇન્ફોર્મેશન સાથે ફન્ડામેન્ટલી મજબૂત સ્ટોક્સમાં લેણની ટેકનોલોજી અપનાવો: વીપ્રો ઉપર રાખો વોચ

મુંબઇ, 9 સપ્ટેમ્બરઃ ગત સપ્તાહે ભારતીય શેરબજારોમાં સુધારાની કમાન આઇટી કંપનીઓના શેર્સે સંભાળી હતી. તેના કારણે આઇટી ઇન્ડેક્સ આગલાં સપ્તાહના 31514.35 પોઇન્ટ સામે સપ્તાહની શરૂઆતમાં 31552ના સ્તરે ખુલી શુક્રવારે બંધ 32415.65 રહેવા સાથે સપ્તાહ દરમિયાન 900 પોઇન્ટ સુધર્યો હતો. 26400થી 31200ની રેન્જમાંથી બહાર નીકળીને આઇટી ઇન્ડેક્સ હવે હવે 36000  પોઇન્ટ તરફ જવા સજ્જ બન્યો છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ માટે ટેકનિકલી 36000 આસપાસ 05-04-2022ના 36813નું રેઝિસ્ટન્સ લેવલ પણ ક્રોસ થઇ જાય તો જાન્યુઆરી 2022માં નોંધાયેલ 39446ના ઓલ ટાઇમ હાઇને રેઝિસ્ટન્સ તરીકે વોચ કરવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. આ આંકની 200 દિવસીય એવરેજ 29248ના સ્તરે છે અને પાંચ માસ જૂની સપોર્ટ લાઇન 30666ના સ્તરે છે. જોકે રેન્જના ઉપરના 31200ના લેવલને સૌથી નજીકની અને મહત્વની ટેકાની સપાટી ગણીએ તો એમાં કશું ખોટું નથી. રોકાણકારોએ નવેસરથી લેવું હોય તો 31450નો સ્ટોપલોસ સમજીને લેણ કરવું.સેન્સેક્સ 65475 વટાવી ચૂક્યો છે , 67619.17નો ઓલ ટાઇમ હાઇ ક્રોસ થવાની સંભાવના બળવત્તર થઇ છે. નિફ્ટીએ પણ બ્રેકઆઉટનું સ્તર 19500 ક્રોસ કર્યું છે. વીસ હજાર ક્રોસ કરી શકે છે. બેન્ક નિફ્ટીએ 44600 ઉપર બંધ આપી તો 46400 થવાની શક્યતા દર્શાવી છે.

ITની તેજીમાં ઇન્ફોસિસ અપવાદરૂપ હશે

શુક્રવારે નિફ્ટી આઇટીના 10માંથી4 શેર્સ વધ્યા છે અને  6 માં ઘટાડો જોવાયો છે. એચસીએલ ટેક, એલટીટીએસ, એલટીઆઇએમ, પરસીસ્ટન્ટ, વિપ્રો અને ટેક મહીન્દ્ર નિફ્ટી આઇટીની જેમ જ બાવન સપ્તાહના હાઇથી 0થી 2 ટકાની રેન્જમાં જ છે. તે પછીના ક્રમે એમ્ફેસીસ , ટીસીએસ અને કોફોર્જ 2થી 5 ટકાની રેન્જમાં છે. ઇન્ફોસીસ બાવન સપ્તાહના હાઇથી 7 ટકાથી વધારે દૂર છે. આવા સંયોગોમાં 2થી 5 ટકાની રેન્જવાળા શેરો ટૂંકા ગાળામાં બાવન સપ્તાહનો હાઇ વટાવે અને 0થી 2 ટકાવાળા તેમની તેજીની ગાડી આગળ ધપાવી શકે છે. એક વાત ખાસ ધ્યાનમાં રહે કે ઇન્ફોસીસમાં આવનારો સુધારો અપવાદરૂપ અને ઇન્ડેક્સ મેનેજમેન્ટના ભાગ રૂપે હશે એમ માનીને તેમાં ટેમ્પરરી ધોરણે લે-વેચ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.