એસેટ ટોકનાઇઝેશન 2030 સુધીમાં 50 ગણુ વધી 16 લાખ કરોડ ડોલર થશે

મુંબઈ: ડિજિટલ એસેટ્સની વધતી માગને ધ્યાનમાં રાખતા આગામી આઠ વર્ષમાં નાના રોકાણકારો પણ ભાગ લઇ શકે તે માટે રિયલ એસ્ટેટ, ગોલ્ડ, સ્ટોક્સ સહિતની એસેટ્સનું  ટોકનાઈઝેશન માર્કેટ 16.1 લાખ કરોડ ડોલરે (અંદાજિત રૂ. 1272 લાખ કરોડ) પહોંચવાનો આશાવાદ છે. ક્રિપ્ટો માર્કેટને વેગ આપવા બ્લોકચેઈનને વધુ સુરક્ષિત તેમજ કેપિટલ એફિશિયન્સીમાં વધારા પર ફોકસ ડિજિટલ એસેટ્સને પ્રોત્સાહન આપે છે. પ્રાઈવેટ માર્કેટ એક્સચેન્જ ADDXના Darius Liu તેમજ ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ BCGના રાજારામ સુરેશ, સુમિત કુમાર, અને આદિત્ય કૌલે Relevance of on-chain asset tokenization in crypto winter શીષર્ક હેઠળ આ રિપોર્ટ જારી કર્યો છે.

જાણો એસેટ ટોકનાઈઝેશન અંગે સંક્ષિપ્તમાં

એસેટ ટોકનાઇઝેશન એ બ્લોકચેન પર ટોકન્સ બનાવે છે જે વધુ કાર્યક્ષમ વ્યવહારોની સુવિધા સાથે સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂતકાળમાં પણ વિશ્વની ઘણી બધી અસ્કયામતો ઇલલિક્વિડ ફોર્મેટ (illiquid assets)માં રાખવામાં આવી છે, એકંદરે કુલ સંપત્તિના 50% કરતા વધુ સંપત્તિ illiquid assets છે. ઇલિક્વિડ એસેટ્સ લિક્વિડ એસેટ્સની સરખામણીમાં અનિશ્ચિત ભાવ અને ટ્રેડિંગ ડિસ્કાઉન્ટ જેવા પડકારોનો સામનો કરે છે. ટોકનાઇઝેશન રોકાણકારો વચ્ચે અસ્કયામતોનું વિતરણ અને ટ્રેડિંગ સરળ બનાવે છે.

એસેટ ટોકનાઈઝેશનના ટ્રેન્ડમાં વધારા પાછળનું કારણ

સામાન્ય રીતે ફિઝિકલ એસેટ્સનો જાળવણી ખર્ચ, જોખમ વધુ રહે છે. જ્યારે ડિજિટલ એસેટ્સ અર્થાત તેને બ્લોકચેઈન સંચાલિત ટોકનમાં કન્વર્ટ કરવાથી તેનો જાળવણી ખર્ચ  અને જોખમમાં ઘટાડો થાય છે. લાખો કરોડોનું રોકાણ હજાર ડોલરમાં કન્વર્ટ થઈ ટોકન સ્વરૂપે ઉપલબ્ધ કરી આપે છે. અગાઉ આ પ્રકારના રોકાણ માત્ર સંસ્થાઓ દ્વારા શક્ય હતા. પરંતુ એડીડીએક્સ જેવા પ્લેટફોર્મની મદદથી સામાન્ય રોકાણકાર પણ પોતાના બજેટ મુજબ હિસ્સો ખરીદી શકે છે.

દેશમાં હાલ કોઈ રેગ્યુલેશન નહીં

યુરોપિયન દેશો, યુકે, અમેરિકા, યુએઈ, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝરલેન્ડ સહિતના દેશોમાં ટોકનાઈઝેશન માટે ચોક્કસ નિયમો ઘડવામાં આવ્યા છે. જો કે, ભારતમાં હજી  મામલે કોઈ રેગ્યુલેશન બનાવવામાં આવ્યા નથી. એશિયન દેશો સિંગાપોર, હોંગકોંગ, જાપાનમાં ટોકન ઈશ્યૂ રેગ્યુલેટેડ છે. જ્યારે સાઉથ કોરિયા, ચીન અને રશિયામાં તેના પર પ્રતિબંધ છે.