મુંબઈ, 7 જુલાઈ: વુમન આંત્રપ્રિન્યોરશીપ પ્લેટફોર્મ (ડબ્લ્યૂઈપી) અને ટ્રાન્સયુનિયન સિબિલ દ્વારા આજે ક્રેડિટ એજ્યુકેશન પ્રોગ્રામ SEHER લોન્ચ કરવામાં આવ્યો છે. જે ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને નાણાકીય ક્ષેત્રે શિક્ષણ  અને બિઝનેસ સ્કિલ્સથી સજ્જ બનાવશે. વુમન આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ એ નીતિ આયોગ દ્વારા સમર્થિત પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ પ્લેટફોર્મ છે. જેનો ઉદ્દેશ ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. આ પ્રોગ્રામ ડબ્લ્યૂઈપીના ફાઈનાન્સિંગ વુમન કોલેબરેટિવ (એફડબ્લ્યૂસી)નો ભાગ છે. જે મહિલા ઉદ્યોગસાહસિકો માટે ધિરાણ પ્રદાન કરવાની પ્રક્રિયાને વેગવાન બનાવતી એક પ્રકારની પહેલ છે.

ડબ્લ્યૂઈપીના મિશન ડિરેક્ટર અન્ના રોયે જણાવ્યું હતું કે, બિઝનેસ ગ્રોથ માટે સમયસર અને સરળતાથી ધિરાણ પ્રદાન કરવા ઉદ્યોગસાહસિકોને સિબિલ રેન્ક અને કોમર્શિયલ ક્રેડિટ રિપોર્ટ સહિત ધિરાણ અંગેના તમામ પાસાંઓ વિશે જ્ઞાન હોવુ અત્યંત જરૂરી છે.

ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ રાજેશ કુમારે ઉમેર્યું હતું કે, બિઝનેસ ગ્રોથ એ ધિરાણની ઉપલબ્ધતા, ધિરાણ અંગે જાગૃત્તિ અને નાણાકીય સાક્ષરતા પર સીધી રીતે નિર્ભર છે. આ પ્રોગ્રામ ભારતની 5 લાખ કરોડ ડોલરની ઈકોનોમીના લક્ષ્યાંકને સમર્થન આપવામાં મદદ કરશે.

મહિલાઓની માલિકી ધરાવતા બિઝનેસ અને આંત્રપ્રિન્યોરશીપને વેગ તથા સહાય

લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગ (એમએસએમઈ) મંત્રાલયના ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ અનુસાર, ભારતમાં 6.2 કરોડ લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો રજિસ્ટર્ડ છે, જેમાંથી 20.5 ટકા એમએસએમઈની માલિકી મહિલાઓ ધરાવે છે. જે 2.7 કરોડ લોકોને રોજગારી આપે છે. મંત્રાલયે નોંધ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ 22.24 ટકા એન્ટરપ્રાઈઝિસની માલિકી મહિલાઓની છે, જ્યારે શહેરોમાં 18.42 ટકા મહિલાની માલિકીના એમએસએમઈ છે. આ અંદાજના આધારે મહિલા આંત્રપ્રિન્યોરશિપને વેગ આપતાં ભારતમાં 3 કરોડથી વધુ નવા મહિલાઓ દ્વારા સંચાલિત એન્ટરપ્રાઈઝિસ ઉભા થશે. જે 15થી 17 કરોડ લોકો માટે રોજગારીનું સર્જન કરશે. જેથી યુઆરપી-રજિસ્ટર્ડ યુનિટ્સ દ્વારા રોજગાર સર્જનમાં મહિલા ઉદ્યોગસાહસિકોનો ફાળો 18.73 ટકા થશે.

ટ્રાન્સયુનિયન સિબિલ ડેટા પરથી જાણવા મળે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં (નાણાકીય વર્ષ 2019 – નાણાકીય વર્ષ 2024) મહિલાઓ દ્વારા બિઝનેસ લોન માટેની માંગ 3.9 ગણી વધી છે. આ સમયગાળા દરમિયાન બિઝનેસ લોન હાંસલ કરનારી મહિલા લોનધારકોની સંખ્યામાં 10%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. માર્ચ 2024માં બિઝનેસ લોન લેનારા 1.5 કરોડમાં 38% મહિલાઓ હતી. સમાન સમયગાળા દરમિયાન (માર્ચ 2019થી માર્ચ 2024) મહિલા લોનધારકો દ્વારા બિઝનેસ લોન માટે પોર્ટફોલિયો બેલેન્સ 35% સીએજીઆરના દરે વધ્યો છે. ટ્રાન્સયુનિયન સિબિલ કન્ઝ્યુમર બ્યુરોના ડેટા મુજબ એગ્રી-બિઝનેસ લોન, કોમર્શિયલ વ્હીકલ અને કોમર્શિયલ ઇક્વિપમેન્ટ લોન જેવી પ્રોડક્ટમાં મહિલા લોનધારકોનો હિસ્સો 28% (માર્ચ 2019 થી માર્ચ 2024) પર સ્થિર રહ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)