અમદાવાદ, 1 માર્ચઃ દેશની ટોચની સરકારી બેન્કોમાં સામેલ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશન્સ પ્લેસમેન્ટ (QIP) દ્વારા સફળતાપૂર્વક ₹3,000 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. ક્યુઆઈપી ઈશ્યૂ 20 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલ્યો હતો. જેને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસેથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો.

બેન્કે ₹135.65 પ્રતિ શેર (શેર દીઠ ₹125.65ના પ્રીમિયમ સહિત)ના ભાવે 22.11 કરોડ શેર ફાળવ્યા છે, જેની ઈશ્યૂ સાઈઝ રૂ. 3000 કરોડ છે. જે નિયમનકારી માર્ગદર્શિકા મુજબ નિર્ધારિત ફ્લોર પ્રાઈસમાં આશરે 5%નું ડિસ્કાઉન્ટ દર્શાવે છે.

બેન્કને બજારમાંથી નોંધપાત્ર અને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને વિવિધ રોકાણકારો દ્વારા ભાગીદારી જોવા મળી છે જેમાં બેન્કો, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, વીમા કંપનીઓ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો સમાવેશ થાય છે.

બેન્કના સીઈઓ અને એમડી મણિમેખલાઈએ આ અંગે જણાવ્યું હતું કે, તાજેતરના જાહેર ક્ષેત્રની બેન્કિંગ સ્પેસમાં સૌથી મોટા ઈક્વિટી મૂડી એકત્ર કરી છે. બેન્કે વર્ષ દરમિયાન QIP દ્વારા સફળતાપૂર્વક કુલ ₹8,000 કરોડ એકત્ર કર્યા છે, જે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના ઈતિહાસમાં સૌથી વધુ છે અને તાજેતરના વર્ષોમાં એક નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ બેન્કના વિકાસના માર્ગ અને સંભાવનાઓ પર રોકાણકારોનો સતત વિશ્વાસ દર્શાવે છે. QIP પ્રોસિડ્સ કેપિટલ બેઝને વધારશે અને અમારા ગ્રાહકો અને શેરધારકો માટે મૂલ્ય ઊભું કરવાનો પ્રયાસ કરતાં અમને વૃદ્ધિની તકો મેળવવામાં મદદ કરશે.

31 ડિસેમ્બર, 2023ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં જાહેર હિસ્સેદારી 23.01% હતી. ઇક્વિટી મૂડી વધારવાના પરિણામે, બેન્કમાં પબ્લિક શેરહોલ્ડિંગ વધીને 25.24% થયું અને પરિણામે, ભારત સરકારનું શેરહોલ્ડિંગ 74.76% થયું છે. બેન્કે સેબી અને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન્સ) નિયમો, 1957 (“SCRR”) અને તેના ઓછામાં ઓછા 25.00% ની લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ જાળવી રાખવાના સુધારાઓનું પાલન કર્યું છે.

QIP ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs)માં IIFL સિક્યુરિટીઝ લિ., જેએમ ફાઇનાન્શિયલ લિ., IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિ., HDFC બેન્ક લિમિટેડ અને BNP પરિબાસ હતા.