નવી દિલ્હી, 1 માર્ચઃ સંરક્ષણ મંત્રાલય (MoD)એ તેની આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે 1 માર્ચના રોજ નવી દિલ્હીમાં રૂ. 39,125.39 કરોડના પાંચ મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલા આ કરારો મેક-ઈન-ઈન્ડિયા પહેલ અને સંરક્ષણમાં સ્વદેશી ક્ષમતાઓને નોંધપાત્ર પ્રોત્સાહન આપે છે.

મિગ-29 એરક્રાફ્ટ માટે એરો-એન્જિનની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂ. 5,249.72 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સાથે બે કરાર કરવામાં આવ્યા હતા. જેમાં એક દેશના પસંદગીના સ્થળોને ટર્મિનલ એર ડિફેન્સ પ્રદાન કરવા માટે ક્લોઝ-ઈન વેપન સિસ્ટમની પ્રાપ્તિ માટે રૂ. 7,668.82 કરોડનો કરાર અને બીજું, આઇએએફની પાર્થિવ હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધારવા માટે હાઇ-પાવર રડાર (HPR)ની પ્રાપ્તિ માટે રૂ. 5,700.13 કરોડનો કરાર કર્યો છે. બંને પ્રોજેક્ટ સ્વદેશી ઉત્પાદનને વેગ આપશે અને નોંધપાત્ર રોજગારીનું સર્જન કરશે.

બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (BAPL) સાથે પણ બે કરાર કરવામાં આવ્યા હતા. પ્રથમ, રૂ. 19,518.65 કરોડની કિંમતનો ભારતીય નૌકાદળના લડાયક સંગઠન અને તાલીમ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બ્રહ્મોસ મિસાઇલોની ખરીદી માટે છે. બીજું, રૂ. 988.07 કરોડનું મૂલ્ય સાથે શિપબોર્ન બ્રહ્મોસ સિસ્ટમની પ્રાપ્તિ માટે છે, જે દરિયાઈ હુમલાની કામગીરી માટે ભારતીય નૌકાદળનું પ્રાથમિક શસ્ત્ર છે.

આ કરારો નોંધપાત્ર રોજગારીની તકોનું સર્જન કરશે, સ્વદેશી ક્ષમતાઓને વેગ આપશે અને વિદેશી મૂળના સાધનો પર નિર્ભરતામાં ઘટાડો કરશે તેવી અપેક્ષા છે. તેઓ સંરક્ષણ ઉત્પાદન અને ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક મોટા પગલાનું પ્રતિનિધિત્વ કરે છે.