અમદાવાદ, 3 ઓક્ટોબરઃ વેદાંતા ગ્રૂપના ડિમર્જરના સમાચારને કારણે શેરમાં તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે આજે શેર 4.5 ટકાથી વધુ ઉછળી 233.80ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. માર્કેટ બંધ થવાના અડધા કલાક પહેલાં 3.75 ટકા સુધારા સાથે 230.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

વૈશ્વિક બ્રોકરેજ CLSAએ વેદાંતાને આઉટપરફોર્મ રેટિંગ, જ્યારે નુવામાએ તેને હોલ્ડ કરવા માટે સલાહ આપી છે. જોકે, કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે વેચાણ રેટિંગ સાથે સ્ટોક પર મંદીનું વલણ જાળવી રાખ્યું છે.

દલાલ સ્ટ્રીટના રોકાણકારોએ મંગળવારે અબજોપતિ અનિલ અગ્રવાલના ગ્રૂપ વેદાંતાને છ અલગ-અલગ લિસ્ટેડ એન્ટિટીમાં વિભાજિત કરવાના નિર્ણયને આવકાર્યો હતો. શેરધારકો, ધિરાણકર્તાઓ, લેણદારો અને નિયમનકારી સત્તાવાળાઓની તમામ જરૂરી મંજૂરીઓને આધીન વેદાંતના ડિમર્જરમાં 12-15 મહિનાનો સમય લાગશે તેવી અપેક્ષા છે. ડિમર્જરને કારણે હિસ્સેદારો માટે મૂલ્ય અનલૉક કરવામાં, વ્યૂહાત્મક રોકાણો આકર્ષવા, કાર્યક્ષમતા સુધારવા અને સુધારણાની અપેક્ષા રાખવામાં આવશે.

અબજોપતિ અનિલ અગ્રવાલની માલિકીની વેદાંતા લિમિટેડે 29 સપ્ટેમ્બરે તેના પાંચ ઓપરેટિંગ બિઝનેસ – એલ્યુમિનિયમ, ઓઈલ એન્ડ ગેસ, બેઝ મેટલ્સ (મુખ્યત્વે કોપર અને ઝિંક ઇન્ટરનેશનલ), ફેરસ (સ્ટીલ અને આયર્ન ઓર માઇનિંગ) અને પાવરના ડિમર્જરની જાહેરાત કરી હતી.

Vedanta Group ની છ ડિમર્જ થનારી કંપની

વેદાંતા લિમિટેડ: હાલમાં લિસ્ટેડ એન્ટિટી હિંદુસ્તાન ઝિંકમાં 64.92 ટકા હિસ્સો ધરાવે છે.

વેદાંતા એલ્યુમિનિયમ: એલ્યુમિનિયમ બિઝનેસ અને બાલ્કોમાં તેનો 51 ટકા હિસ્સો ધરાવે છે.

વેદાંતા ઓઈલ એન્ડ ગેસ: કેઇર્ન ઇન્ડિયા

વેદાંતા બેઝ મેટલ્સ: તાંબા અને જસતના આંતરરાષ્ટ્રીય કારોબારને સામેલ કરવા.

વેદાંતા સ્ટીલ અને ફેરસ મેટલ્સ: સ્થાનિક આયર્ન ઓર બિઝનેસ, લાઇબેરિયા એસેટ્સ અને ESL સ્ટીલ લિ.

અને વેદાંતા પાવરમાં તમામ પાવર એસેટનો સમાવેશ થશે.

 વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે બોર્ડની બેઠક બાદ જણાવ્યું હતું કે, “અમારા વ્યાપાર એકમોને ડીમર્જ કરીને દરેક વર્ટિકલમાં ઝડપી વૃદ્ધિ માટે મૂલ્ય અને સંભવિતતાને અનલોક કરવા માગીએ છીએ. તમામ વર્ટિકલ કુદરતી સંસાધનોની વિશાળ છત્ર હેઠળ સામેલ હોવાથી દરેકનું પોતાનું બજાર, માંગ અને પુરવઠાના વલણો અને ઉત્પાદકતા વધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતા મુજબ કામ કરવાના હેતુ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”