Vedanta- Foxcon ગુજરાતમાં રૂ. 1.54 લાખ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ચીપ્સ પ્લાન્ટ સ્થાપશે
- ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 2020માં $15 બિલિયનથી 2026માં $63 બિલિયન થશે
- વેદાન્તા જૂથે સેમિકન્ડક્ટર ચીપ્સ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા
- 27.2 અબજ ડોલરનું સેમીકંડક્ટર માર્કેટ હતુ 2021માં, 19 ટકાનો ગ્રોથ માર્કેટ ધરાવતું માર્કેટ
- 64 અબજ ડોલરનું થશે સેમીકંડક્ટર માર્કેટ 2026માં, 30 અબજ ડોલરનું રોકાણ ટેક્. ઈન્ડસ્ટ્રીમાં
અમદાવાદઃ વેદાન્તા- ફોક્સકોન જૂથે સંયુક્ત સાહસ હેઠળ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચીપ્સ ઉત્પાદન માટે રૂ. 1.54 લાખ કરોડના મૂડીરોકાણ સાથેનો પ્લાન્ટ સ્થાપવા ગુજરાત સરકાર સાથે સમજૂતિ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેમાં સેમિકન્ડક્ટર ફેબ યુનિટ, ડિસ્પ્લે ફેબ યુનિટ અને સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ સ્થાપવાનો સમાવેશ થાય છે. નવા પ્લાન્ટના કારણે ગુજરાતમાં વધુ એક લાખ લોકોની રોજગારીનું સર્જન થવાનો આશાવાદ સેવાય છે.
તેના માટે જૂથ અમદાવાદની નજીકમાં 1000 એકરમાં આ પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. છેલ્લા બે વર્ષથી વિશ્વભરમાં સેમિકન્ડક્ટર અથવા ચીપના વધતા જતા સંકટને કારણે સ્માર્ટ કારથી લઈને સ્માર્ટફોન, લેપટોપ, કન્ઝ્યુમર ગુડ્સ વગેરેના ઉત્પાદન પર ઘણી અસર થઈ છે. ભારતને સેમિકન્ડક્ટર પાવર હાઉસ બનાવવા માટે, સરકારે મહત્વાકાંક્ષી પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે. વેદાંતા અને ફોક્સકોને આ મામલે સંયુક્ત સાહસ (JV) શરૂ કર્યું છે. જેમાં ડિસ્પ્લે ફેબ્રિકેશન અને સેમિકન્ડક્ટર સુવિધા માટે ગુજરાતની પસંદગી કરી છે. જેના કારણે ગુજરાત સેમિકન્ડક્ટર પાવર હાઉસ બની શકે છે.
મહારાષ્ટ્ર સરકારની પીછેહટનો ફાયદો ગુજરાતને ફળ્યો
વેદાંતા અને ફોક્સકોન અગાઉ મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટો કરી રહી હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકાર કંપનીને પ્રોત્સાહન અને ટેક્સમાં છૂટ આપવા માટે સંમત હોવાના કારણે વેદાંતાએ ગુજરાત ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હોવાનું સૂત્રો જણાવે છે.
સંયુક્ત સાહસમાં વેદાન્તાનો હિસ્સો 60 ટકા
સંયુક્ત સાહસમાં વેદાંતાનો હિસ્સો 60 ટકા અને ફોક્સકોનનો હિસ્સો 40 ટકા રહેશે. વધુ મલ્ટીનેશનલ કંપનીઓને રોકાણ કરવા આકર્ષિત કરશે.
1 લાખ કરોડ ડોલરની ડિજિટલ ઈકોનોમી સ્થાપિત કરશે
આ ડીલ સાથે ગુજરાત પ્લાન્ટ 1 લાખ કરોડની ડિજિટલ ઈકોનોમી સ્થાપિત કરવામાં સહાય કરશે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વૈશ્વિક સ્તરે જાણીતું છે અને આશા રાખું છું કે ભારતમાં એડવાન્સ ઈલેક્ટ્રોનિક્સ ઈકોસિસ્ટમ સ્થાપિત કરશે. જેમાં દરેક રાજ્યને તેમના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ હબનો વિકાસ કરવાનો ફાયદો થશે.