અમદાવાદ, 9 જાન્યુઆરીઃ આવતીકાલથી ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન શરૂ થઈ રહી છે. છેલ્લા 20 વર્ષથી યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ ગુજરાતને બિઝનેસ હબ બનાવ્યું છે. પરિણામે ગુજરાતનો જીડીપી 16 ગણો વધ્યો હોવાનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનો GSDP 2002-03માં 17.7 અબજ ડોલરની તુલનાએ 16 ગણો વધી 2022-23માં 282 અબજ ડોલર થયો છે. તેમજ આગામી 3 વર્ષમાં (2026-27)માં ગુજરાતની 500 અબજ ડોલરની ઈકોનોમી સ્થાપિત કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જે દેશની કુલ જીડીપીના 10 ટકા હશે.

વધુમાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે અમે રાજ્યભરના 32 જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ જેવી ઈવેન્ટ્સ યોજીને વાઈબ્રન્ટ ગુજરાતની વિભાવનાને પાયાના સ્તરે લઈ ગયા છીએ. 2,600થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં 45,000 કરોડથી વધુ સંભવિત રોકાણો નોંધાયા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને G20ની થીમ્સ સાથે સંરેખિત કરીને રાજ્યના દરેક ખૂણે પહોંચવાનો છે.

હાલમાં, દેશની પાંચ ટકા વસ્તી ધરાવતો ગુજરાત રાષ્ટ્રીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 8.3 ટકાનું યોગદાન આપે છે અને ભારતની કુલ વેપારી નિકાસમાં રાજ્યનો હિસ્સો 33 ટકા છે.

આ સમિટમાં ગુજરાતના ભાવિ પ્રોજેક્ટ્સ અને રોકાણો (ડ્રીમ સિટી, ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ) દર્શાવવામાં આવશે, જેમાં સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઈડ્રોજન, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા નવા અને ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. -અને-પ્લે પાર્ક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સ્માર્ટ ગ્રીનફિલ્ડ સિટીઝ સામેલ છે. ટેક્સટાઇલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં અગ્રણી ઉપરાંત, ગુજરાત ઓટોમોબાઇલ સેક્ટરના હબ તરીકે પણ ઉભરી આવ્યું છે, જેણે પોતાને દેશના આર્થિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કર્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં 45 હજારથી વધુ ઈન્ડિવિઝ્યુઅલ રજિસ્ટ્રેશન, જ્યારે 48 હજારથી વધુ કંપની રજિસ્ટ્રેશન નોંધાયા છે. જેમાં 1000થી વધુ કંપનીઓ પોતાની પ્રોડક્ટ-બિઝનેસ પ્રદર્શિત કરશે.