હજી ક્રિપ્ટોમાં રેગ્યુલેશનના વાંધા છે ત્યાં ઈનસાઈડર ટ્રેડિંગ શરૂ

“Crypton” ક્રિપ્ટોન ન્યૂક્લિયર વેપનનું નામ અને સ્વરૂપ તમે કોઇએ જોયેલું છે..? ના જોયું હોય તો 1993માં અક્ષય કુમાર સ્ટારર વક્ત હમારા હૈ મૂવી જોઇને ખ્યાલ આવી જશે કે એ જમાનામાં પણ ક્રિપ્ટો વર્ડ કેટલો કુ-પ્રચલિત હતો. ત્રણ દાયકા બાદ ફરી એકવાર ક્રિપ્ટો વર્ડ સમગ્ર વર્લ્ડમાં ધૂમ મચાવી રહ્યો છે. ભારે અફરા-તફરી વચ્ચે રોકાણકારોના નળિયા સોનાના થઇ જાય અથવા તો માથાના વાળ પણ ઉતરી જાય તેવો માહોલ સર્જાયો છે. ના કોઇ નિયમનકારી કે ના કોઇ નિયંત્રણ કે ના કોઇ પારદર્શિતા કે ના કોઇનો કન્ટ્રોલ….

સમગ્ર વિશ્વ ક્રિપ્ટો કરન્સીના પારદર્શી અને ચોક્કસ નિયમન માટે અનેક રેગ્યુલેશન પર વિચારણા કરી છે. ત્યાં બીજી બાજુ ક્રિપ્ટો કરન્સીમાં નવા-નવા કૌંભાંડોના બનાવો બની રહ્યા છે. હાલમાં જ ક્રિપ્ટો ઈનસાઈડર ટ્રેડિંગ સ્કીમ મારફત છેતરપિંડી કરવા બદલ અમેરિકામાં બે ભારતીય ભાઈઓ અને તેમના મિત્રની ધરપકડ થઈ છે. તેઓએ ક્રિપ્ટો ઈનસાઈડર ટ્રેડિંગ સ્કીમ મારફત 10 લાખ ડોલરથી વધુની કમાણી કરી હતી. ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના યુનાઈટેડ સ્ટેટ્સ એટર્ની ડેમિયન વિલિયમ્સ અને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ન્યૂયોર્ક ફીલ્ડ ઓફિસના આસિસ્ટન્ટ ડાયરેક્ટર-ઈન-ચાર્જ માઈકલ જે. ડ્રિસકોલે ગુરુવારે ઈશાન વાહી અને નિખિલ વાહી તેમજ મિત્ર સમીર રામાણીઅને શ્રી રામાણીને ઈનસાઈડર ટ્રેડિંગ મારફત કૌંભાંડ આચરવા બદલ આરોપી જાહેર કર્યા છે. ત્રણેય ભારતીયોએ કોઈનબેઝમાં કઈ ક્રિપ્ટો ટ્રેડિંગ માટે લિસ્ટેડ થવાની છે, તેમજ તેની સ્થિતિ જેવી ખાનગી માહિતીનો દૂરૂપયોગ કર્યો હતો.

25 ક્રિપ્ટો એસેટ્સમાં ગેરકાયદે ટ્રેડિંગ કરી 15 લાખ ડોલર પડાવ્યાં

ક્રિપ્ટો કરન્સી ઈનસાઈડર ટ્રેડિંગ સ્કીમ મારફત તેઓએ 25 ક્રિપ્ટો એસેટ્સમાં ગેરકાયદે ટ્રેડિંગ કરી 15 લાખ ડોલરની કમાણી કરી હતી. ક્રિપ્ટોમાં ઈનસાઈડર ટ્રેડિંગનો આ પ્રથમ કેસ છે. ત્રણેય આરોપી પર લાગૂ આરોપો હેઠળ મહત્તમ 20 વર્ષની સજા થઈ શકે છે.

ક્રિપ્ટો માટે સત્તાવાર નિયમોની તાતી જરૂરિયાત

જો સરકાર ક્રિપ્ટો અંગે યોગ્ય નિર્ણય લઈ લે તો આગળ જતાં તેમાં મોટાપાયે કૌંભાંડો થવાની ભીતિ જોવા મળી રહી છે. દેશમાં પણ ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ મારફત સરકારે કમાણીનું સાધન ઉભુ કર્યુ છે.પરંતુ તેની કોઈ સત્તાવાર જવાબદારી લીધી નથી. વર્ચ્યુઅલ કરન્સી એ ભવિષ્યની ટ્રાન્જેક્શન સિસ્ટમ છે. જેને નકારી શકાય નહીં. કેન્દ્ર સરકારે તેમાં થતાં કૌંભાંડો અને ક્રિપ્ટો ઈન્વેસ્ટરની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચોક્કસ નીતિ-નિયમો ઘડવા જોઈએ.

ગૌરવ અરોરા, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ, કોઈનડીસીએક્સ