Tata Technologiesના IPOના પગલે ટાટા ગ્રૂપના આ 3 શેરોમાં તેજી, રોકાણકારોની મૂડી ડબલ
ટાટા ગ્રૂપના શેરોમાં ઉછાળો
સ્ક્રિપ્સ | 52 વીક હાઈ | સાપ્તાહિક ઉછાળો | વાર્ષિક ઉછાળો |
TIC | 4521.90 | 40.36% | 114.32% |
Tata Motors | 687.55 | 5.28% | 77.16% |
Tata Motors DVR | 466.95 | 5.22% | 129.35% |
અમદાવાદ, 20 નવેમ્બરઃ ટાટા ગ્રૂપનો 20 વર્ષ બાદ લોન્ચ થવા જઈ રહેલો ટાટા ટેક્નોલોજીસન આઈપીઓ માટે રોકાણકારો ખૂબ ઉત્સુક છે. બીજી બાજુ ટાટા ટેક્નોલોજીસમાં હિસ્સો ધરાવતી ટાટા ગ્રૂપની 3 કંપનીઓના શેરોમાં તેજી નોંધાઈ છે. ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનો શેર આજે 14 ટકાથી વધુ ઉછાળા સાથે 4521.90ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. ટાટા મોટર્સ ડીવીઆર અને ટાટા મોટર્સના શેર છેલ્લા એક સપ્તાહમાં રોજ નવી વાર્ષિક ટોચ બનાવી રહ્યા છે.
ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેરએ આ કેલેન્ડર વર્ષમાં રોકાણકારોને બમણુ રિટર્ન આપ્યું છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં શેરમાં 36.6 ટકાનો વધારો થયો છે. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં 114.32 ટકા રિટર્ન આપ્યું છે.
ટાટા મોટર્સનો શેર ગયા શુક્રવારે રૂ. 687.55ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આજે પ્રોફિટ બુકિંગને કારણે 0.92 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટાટા મોટર્સ ડીવીઆરનો શેર આજે રૂ. 466.95ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ 1.03 ટકા ઘટાડે રૂ. 457.90 પર ટ્રેડેડ હતો.
- છેલ્લા એક વર્ષની તુલનાએ પાછલા પંદર દિવસની તેજીના પગલે ટાટા મોટર્સ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટમાં ત્રિપલ ડિજિટ રિટર્ન
- ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ ડીવીઆરના શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયાં
ટાટા ટેક્નોલોજીસમાં કેટલુ હોલ્ડિંગ
ટાટા ટેક્નોલોજીસમાં ટાટા મોટર્સ અને TIC માત્ર 0.33 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ટાટા સન્સ 43.71 ટકા હિસ્સો ધરાવે છે. Tata Technologies IPOની પ્રાઇસ બેન્ડ 475-500 રૂપિયા છે. જે સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર કરવામાં આવે છે. જેમાં ટીસી હોલ્ડિંગ્સ 97.1 લાખ શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 48 લાખ શેરનું વેચાણ કરશે.
ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીસનું પ્રીમિયમ 305 રૂપિયા પ્રતિ શેર છે. IPO 65-70 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થવાની શક્યતા છે.
આઈપીઓમાં ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ ડીવીઆરના શેરહોલ્ડર્સ માટે અલગથી 10 ટકા શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. જો કે, આ કંપનીઓના શેરહોલ્ડર્સ 12 નવેમ્બર સુધી હોલ્ડિંગ ધરાવતા હોવા જોઈએ.